ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન દેશનું કુલ સંરક્ષણ ઉત્પાદન પ્રથમ વખત ₹1.78 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે, જે ગયા વર્ષની સરખામણીએ 15.6 ટકાનો વધારો દર્શાવે છે. આ સિદ્ધિમાં ખાનગી સંરક્ષણ કંપનીઓનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. કુલ ઉત્પાદનમાંથી આશરે ₹42,000 કરોડનો ફાળો ખાનગી ક્ષેત્રનો રહ્યો, જે અત્યાર સુધીનો સૌથી મોટો હિસ્સો છે.

ખરીદી પ્રક્રિયા વધુ સરળ બનાવી

'ઓપરેશન સિંદૂર' બાદ ભારતીય સેનાને આધુનિક અને સ્વદેશી હથિયારોની માગમાં વધારો થયો છે. આ સાથે સરકારે નવી રક્ષા ખરીદી પ્રક્રિયા (DAP-2026) હેઠળ સ્વદેશી સામગ્રીનો ફરજિયાત હિસ્સો વધારીને 60 ટકા કર્યો છે અને ખરીદી પ્રક્રિયા વધુ સરળ બનાવી છે, જેના કારણે ખાનગી કંપનીઓને નવા અવસર મળ્યા છે.

MALE ડ્રોન યોજનામાં અનેક કંપનીઓ રસ દાખવી રહી છે

ખાનગી કંપનીઓ હવે માત્ર હથિયારોના ભાગો નહીં, પરંતુ સંપૂર્ણ હથિયાર પ્રણાલીઓ વિકસાવી રહી છે. ભારત ફોર્જને 2.55 લાખથી વધુ CQB કાર્બાઈન સપ્લાય કરવા માટે ₹1,661.9 કરોડનો ઓર્ડર મળ્યો છે. ઉપરાંત 184 ATAGS તોપોની સપ્લાય માટે ₹4,140 કરોડનો કરાર પણ મળ્યો છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ અને ભારત ફોર્જ મળીને લગભગ ₹6,900 કરોડની ATAGS યોજના પર કામ કરી રહ્યા છે. ડ્રોન અને અદ્યતન યુદ્ધ ટેક્નોલોજી ક્ષેત્રે પણ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ, એલએન્ડટી અને અદાણી ડિફેન્સ વચ્ચે સ્પર્ધા વધી રહી છે. લગભગ ₹30 હજાર કરોડની MALE ડ્રોન યોજનામાં અનેક કંપનીઓ રસ દાખવી રહી છે.

MSME કંપનીઓ પણ સંરક્ષણ ઉત્પાદન સાથે જોડાઈ

નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું સંરક્ષણ નિકાસ ₹38,424 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે, જેમાં ખાનગી ક્ષેત્રનો લગભગ 45 ટકા ફાળો રહ્યો છે. ઉપરાંત સરકારની iDEX યોજના હેઠળ સ્ટાર્ટઅપ્સ અને MSME કંપનીઓ પણ સંરક્ષણ ઉત્પાદન સાથે જોડાઈ રહી છે. નિષ્ણાતોના મતે ખાનગી ક્ષેત્રની વધતી ભાગીદારી ભારતને વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રમાં વધુ મજબૂત સ્થાન અપાવશે.

આ પણ વાંચો : Ram Mandir Donation Row: ચંપતરાયની એકમાત્ર ભૂલ હતી કે.. દાનચોરી મામલે કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરીનું નિવેદન