ભારતીય કરન્સી માર્કેટમાં સોમવારે ભારે રસાકસી જોવા મળી હતી. સવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે રૂપિયામાં 128 પૈસાનો જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ બપોર સુધીમાં સ્થિતિ પલટાઈ ગઈ હતી. ઈતિહાસમાં પહેલીવાર રૂપિયો અમેરિકન ડોલર સામે 95ના સ્તરને પાર કરી ગયો છે, જે અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર (Life-time Low) છે.
ઐતિહાસિક નીચી સપાટી અને મોટો કડાકો
બપોરના ટ્રેડિંગ સેશનમાં કરન્સી માર્કેટે અચાનક પલટો માર્યો હતો. Investing.com ના આંકડા મુજબ, ભારતીય રૂપિયો ડોલર સામે પ્રથમ વખત 95 ના સ્તરને વટાવી ગયો હતો. બપોરે 3:20 વાગ્યે રૂપિયો 0.41% ના ઘટાડા સાથે 95.157 પર ટ્રેડ થઈ રહ્યો હતો, પરંતુ ગભરાટ એટલો વધ્યો કે તે ટૂંક સમયમાં જ 95.58 ની લાઈફ-ટાઈમ લો (Life-time Low) સપાટીએ પહોંચી ગયો. નોંધનીય છે કે, દિવસના ઉચ્ચ સ્તર (93.24) થી જોવામાં આવે તો રૂપિયામાં માત્ર એક જ દિવસમાં 2.33 રૂપિયાનો પ્રચંડ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષના ડેટા પર નજર કરીએ તો, ડોલર સામે રૂપિયો અંદાજે 12 રૂપિયા જેટલો નબળો પડ્યો છે.
રૂપિયાના ધોવાણ પાછળના મુખ્ય કારણો
ફોરેક્સ ટ્રેડર્સના મતે આ ઘટાડા પાછળ મુખ્યત્વે ત્રણ પરિબળો જવાબદાર છે:
ડોલર ઇન્ડેક્સની મજબૂતી: વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો 'સેફ-હેવન' તરીકે ડોલર તરફ વળ્યા છે, જેના કારણે ડોલર ઇન્ડેક્સ 100 ના સ્તરની ઉપર મજબૂત રીતે ટકી રહ્યો છે.
ક્રૂડ ઓઈલના ભડકે બળતા ભાવ: રશિયા-યુક્રેન કે મધ્ય પૂર્વના વધતા ભૂ-રાજકીય તણાવને કારણે સપ્લાય ખોરવાવાની આશંકા વધી છે. બ્રેન્ટ ક્રૂડ 2.60% વધીને 115.50 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે, જે ભારત જેવા આયાત નિર્ભર દેશ માટે જોખમી છે.
વિદેશી રોકાણકારોની વેચવાલી: વિદેશી સંસ્થાકીય ૉ
રોકાણકારો (FII) સતત ભારતીય બજારમાંથી નાણાં ખેંચી રહ્યા છે. શુક્રવારે જ તેઓએ અંદાજે 4,367.30 કરોડ રૂપિયાના શેર વેચી નાખ્યા હતા.
શેરબજારમાં પણ હાહાકાર
રૂપિયાના અવમૂલ્યનની સીધી અસર શેરબજાર પર જોવા મળી હતી. સેન્સેક્સ 1,733.78 પોઈન્ટ તૂટીને 71,849.44 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 528.45 પોઈન્ટના ઘટાડા સાથે 22,291.15 પર સ્થિર થયો હતો. વિદેશી સંસ્થાગત રોકાણકારોએ (FIIs) અંદાજે 4,367 કરોડ રૂપિયાના શેરની વેચવાલી કરી હતી.