કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO )એ તેના લાખો સભ્યો માટે 'પાસબુક લાઈટ' નામની એક નવી ડિજિટલ સુવિધા શરૂ કરી છે. આ સુવિધા PF સંબંધિત માહિતીને પહેલા કરતાં વધુ સરળ અને ઝડપી બનાવે છે. વધુમાં, સભ્યો હવે પોતાની રીતે જ Annexure K અથવા PF ટ્રાન્સફર સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે. આનાથી નોકરી બદલતી વખતે PF ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ઝડપી બનશે.

શું ફાયદો થશે પાસબુક લાઈટનો?

EPFOની નવી 'પાસબુક લાઈટ' સેવા મહત્વપૂર્ણ PF માહિતી જોવાનું વધુ સરળ બનાવે છે. તમારે હવે વારંવાર લોગ ઈન કરવાની કે જટીલ પ્રક્રિયાઓમાંથી પસાર થવાની જરૂર નથી. તમે તેને સીધા સભ્ય પોર્ટલ પરથી જોઈ શકો છો: 1. જેમાં તમે તમારા પીએફ ખાતામાં અત્યાર સુધી કેટલી રકમ જમા થઈ છે? 2. તમે કેટલા પૈસા ઉપાડ્યા છે? અને 3. તમારા ખાતામાં અત્યારે કેટલું બેલેન્સ છે?

સભ્યો જાતે જ Annexure K ડાઉનલોડ કરી શકશે

જ્યારે કોઈ કર્મચારી એક કંપનીમાંથી બીજી કંપનીમાં જાય છે, ત્યારે તેનું પીએફ બેલેન્સ જૂના એકાઉન્ટમાંથી નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. આ ટ્રાન્સફર દ્વારા એનેક્સ્યોર કે નામનો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બનાવવામાં આવે છે, જે અત્યાર સુધી ફક્ત પીએફ ઓફિસો વચ્ચે જ શેર કરવામાં આવતો હતો. કર્મચારીઓ ફક્ત ત્યારે જ તે મેળવી શકતા હતા, જો તેઓ વ્યક્તિગત રીતે વિનંતી કરે. ઈપીએફઓએ હવે આ પ્રક્રિયાને ડિજિટાઈઝ કરી દીધી છે. હવે તમે ઈપીએફઓ સભ્ય પોર્ટલ પરથી એનેક્સ્યોર કે પીડીએફ જાતે ડાઉનલોડ કરી શકો છો. આ પીએફ ટ્રાન્સફર પ્રક્રિયાને ઝડપી અને વધુ પારદર્શક બનાવે છે. નોકરી બદલ્યા પછી હવે, બધું તમારા હાથમાં છે, ફક્ત એક ક્લિક દૂર, તમારે કોઈ માહિતી માટે રાહ જોવી પડશે નહીં.

પીએફ ટ્રાન્સફરની સ્થિતિ તપાસવી પણ સરળ

EPFOએ હવે PF ટ્રાન્સફર સંબંધિત માહિતી ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે. આનો અર્થ એ છે કે હવે તમે જાતે જ ચકાસી શકો છો કે તમારું PF તમારી જૂની કંપનીમાંથી નવી કંપનીમાં ટ્રાન્સફર થયું છે કે નહીં. વધુમાં, તમે એ પણ જોઈ શકો છો કે તમારી જૂની કંપનીમાં કામ કરેલો સેવા સમયગાળો નવી કંપનીના રેકોર્ડમાં શામેલ છે કે નહીં. આ માહિતી ભવિષ્યના પેન્શન (EPS) સંબંધિત પ્રક્રિયાઓમાં ખૂબ ઉપયોગી થશે, કારણ કે ઓનલાઈન રેકોર્ડ હંમેશા સુરક્ષિત અને વિશ્વસનીય હોય છે.