ભારત સરકારે ગ્રીન એનર્જી અને પ્રદૂષણ મુક્ત પરિવહન તરફ વધુ એક મોટું કદમ ઉઠાવ્યું છે. દેશમાં અત્યારે ઉપલબ્ધ E20 (20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ)ની સફળતા બાદ, હવે સરકાર તેનાથી પણ આગળ વધી રહી છે.
ફ્યુઅલના નવા ધારાધોરણો જાહેર
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા પેટ્રોલમાં વધુ ઇથેનોલ બ્લેન્ડિંગ કરવા માટે E22, E25, E27 અને E30 ફ્યુઅલના સત્તાવાર ધારાધોરણો (Standards) જાહેર કરી દેવામાં આવ્યા છે.BIS ના આ નોટિફિકેશન બાદ ભારતમાં ઊંચા પ્રમાણમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગને સત્તાવાર મંજૂરી મળી ગઈ છે, જેને દેશના ઊર્જા ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું માનવામાં આવે છે.
નોટિફિકેશનની મુખ્ય વિગતો અને ફાયદા
સરકાર દ્વારા 15 મે 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આ નોટિફિકેશન પાછળના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે:
ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો: પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધવાથી વિદેશોમાંથી મંગાવવામાં આવતા કાચા તેલ (Crude Oil) પર ભારતની નિર્ભરતા ઘટશે અને દેશનું હૂંડિયામણ બચશે.
પર્યાવરણની સુરક્ષા: ઇથેનોલ એક ગ્રીન ફ્યુઅલ હોવાથી તેના મિશ્રણથી વાહનોનું પ્રદૂષણ નોંધપાત્ર રીતે ઓછું થશે.
ખેડૂતો અને ઉદ્યોગોને ટેકો: આ નિર્ણયથી દેશના ખાંડ ઉદ્યોગ અને બાયોફ્યુઅલ ઉત્પાદકોને સીધો ફાયદો થશે, જેનાથી આડકતરી રીતે શેરડી પકવતા ખેડૂતોની આવક પણ વધશે.
ઉદ્યોગ જગત દ્વારા નિર્ણયનું ઉષ્માભર્યું સ્વાગત
ઓલ ઇન્ડિયા ડિસ્ટિલરી એસોસિએશન (AIDA) દ્વારા સરકારના આ નિર્ણયને ખૂબ જ સમયસરનો અને આવકારદાયક ગણાવ્યો છે. એસોસિએશનના પ્રમુખ વિજેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે
"E22 થી E30 ફ્યુઅલ માટેના BIS સ્ટાન્ડર્ડ્સ એ માત્ર કોઈ ટેકનિકલ પ્રક્રિયા નથી, પરંતુ ભારતને ઊર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવતું એક દીર્ઘદ્રષ્ટિ વાળું કદમ છે."
ઉદ્યોગ જગતે ખાસ કરીને E25 ફ્યુઅલ સ્ટાન્ડર્ડ પર વધુ ખુશી વ્યક્ત કરી છે, કારણ કે તેનાથી બજારમાં ઉપલબ્ધ વધારાની ખાંડ અને ઇથેનોલ ઉત્પાદન ક્ષમતાનો યોગ્ય ઉપયોગ થઈ શકશે.
આગામી લક્ષ્ય: ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સ (FFVs)
AIDA ના મતે, ભારતે હવે માત્ર E30 સુધી મર્યાદિત ન રહેતા ભવિષ્યમાં E85 અને E100 (જેમાં ખૂબ ઊંચા પ્રમાણમાં ઇથેનોલ હોય) તરફ આગળ વધવું જોઈએ. આ લક્ષ્યને હાંસલ કરવા માટે દેશમાં ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સ (Flex-Fuel Vehicles) ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. આ એવા વાહનો છે જે પૂરેપૂરા ઇથેનોલ અથવા પેટ્રોલ બંને પર સરળતાથી ચાલી શકે છે.
આ પણ વાંચો- PM Modi ઇટલીના પ્રવાસે.. જુઓ મોદી-મેલોનીની કેમિસ્ટ્રી