લગ્નની સિઝન નજીક આવી રહી છે ત્યારે લોકો સોનાની ખરીદી મોટા પ્રમાણમાં કરતા હોય છે. ખાસ કરીને સોનાની ચેઇન, વીંટી, બંગડી, બ્રેસલેટ અને હાર જેવા ઘરેણાંની માગ વધે છે. પરંતુ સોનાની ખરીદી કરતાં પહેલાં માત્ર તેનો બજારભાવ જાણી લેવો પૂરતો છે? તો તેનો જવાબ છે ના. ઘરેણાં ખરીદતાં પહેલાં તેની કિંમત કેવી રીતે નક્કી થાય છે તે જાણવું પણ એટલું જ જરૂરી છે, જેથી જ્વેલર્સ તમને વધારે પૈસા ચૂકવવા મજબૂર ન કરી શકે.

વાસ્તવમાં, જ્વેલર્સ સોનાની કિંમત ઉપરાંત મેકિંગ ચાર્જ, વેસ્ટેજ ચાર્જ, હોલમાર્કિંગ ફી અને GST પણ ઉમેરે છે. આ તમામ ખર્ચ ભેગા કરીને ઘરેણાંનું અંતિમ બિલ તૈયાર કરવામાં આવે છે. તેથી ઘરેણાં ખરીદતાં પહેલાં તેમની કિંમત કેવી રીતે નક્કી થાય છે તે સમજવું જરૂરી છે.

સોનાનાં ઘરેણાંની કિંમત કેવી રીતે નક્કી થાય છે?

સામાન્ય રીતે જ્વેલર્સ ઘરેણાંની કિંમત નક્કી કરતી વખતે સોનાનો બજારભાવ, કેરેટ અને તેની શુદ્ધતાને ધ્યાનમાં લે છે. આ ઉપરાંત ઘરેણાંની ડિઝાઇન અને તેને બનાવવામાં લાગતી મહેનતના ખર્ચ તરીકે મેકિંગ ચાર્જ ઉમેરવામાં આવે છે.

ઘરેણાં બનાવતી વખતે સોનાનો જે જથ્થો વેડફાય છે તેના નામે વેસ્ટેજ ચાર્જ લેવામાં આવે છે.

આ ઉપરાંત, જો ઘરેણાંમાં હીરો કે અન્ય કિંમતી પથ્થરો લગાવવામાં આવ્યા હોય તો તેમનો ખર્ચ અલગથી ઉમેરવામાં આવે છે. ઘરેણાંની કુલ કિંમત પર 3% GST પણ લાગે છે. તેની સાથે હોલમાર્કિંગ ફી પણ લેવામાં આવે છે, જે માત્ર 75 રૂપિયા છે.

કિંમત ગણવાનું ફોર્મ્યુલા

જ્વેલર્સ સામાન્ય રીતે આ ફોર્મ્યુલાના આધારે ઘરેણાંની કિંમત નક્કી કરે છે. અહીં 22 કેરેટ સોનાની શુદ્ધતા 91.6% અને 18 કેરેટ સોનાની શુદ્ધતા 75% હોય છે. જ્યારે 1.03 વડે ગુણાકાર કરવાનો અર્થ 3% GST ઉમેરવાનો થાય છે.

ચાલો, એક ઉદાહરણથી સમજીએ.

ધારો કે તમે દિલ્હીમાં 22 કેરેટ સોનાની 10 ગ્રામની ચેઇન ખરીદી રહ્યા છો.

- 10 ગ્રામ સોનાની કિંમત: 1,28,650 રૂપિયા

- મેકિંગ ચાર્જ: 500 રૂપિયા પ્રતિ ગ્રામ એટલે કે 5,000 રૂપિયા

- કુલ કિંમત: 1,33,650 રૂપિયા

- 3% GST: 4,009.50 રૂપિયા

- હોલમાર્કિંગ ફી: 75 રૂપિયા

- અંતિમ બિલ: 1,37,734.50 રૂપિયા

જોકે, આ માત્ર ઉદાહરણ તરીકે સમજાવવા માટે આપવામાં આવ્યું છે. અલગ-અલગ જ્વેલર્સના ચાર્જ અલગ હોઈ શકે છે.

ઘરેણાં ખરીદતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

સોનાનાં ઘરેણાં ખરીદતી વખતે કેટલીક મહત્ત્વની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

1. બે-ત્રણ જ્વેલર્સ પાસેથી ઘરેણાંની કિંમત અને મેકિંગ ચાર્જની સરખામણી કરો.

2. બિલમાં સોનાનું વજન, શુદ્ધતા અને તમામ ચાર્જ અલગ-અલગ દર્શાવવાનું કહો.

3. ઘરેણાં પર BIS હોલમાર્ક અને 6 અંકનો HUID કોડ જરૂર તપાસો.

4. જૂનું સોનું બદલાવતી વખતે જ્વેલરની એક્સચેન્જ અને બાયબેક નીતિ સમજી લો.

5. હીરાનાં ઘરેણાં ખરીદતી વખતે તેનું ગ્રેડિંગ સર્ટિફિકેટ જરૂર માગો.

સોનાની ખરીદી કરતાં પહેલાં શક્ય હોય તો પોતાની સાથે આ અંગે જાણકારી ધરાવતી વ્યક્તિને લઈ જાઓ. ઘરેણાં ખરીદવા જતાં પહેલાં થોડું સંશોધન કરવાથી પણ સારો સોદો કરી શકશો.

લગ્નનાં ઘરેણાં ખરીદતી વખતે માત્ર સોનાનો ઓછો ભાવ કે ઓછો મેકિંગ ચાર્જ જોઈને નિર્ણય ન લો. તેના બદલે આખું બિલ તપાસો અને અલગ-અલગ દુકાનોમાં મળતી કિંમતની સરખામણી કરો. આમ કરવાથી તમે બિનજરૂરી ખર્ચથી બચી શકશો.