ભારતના ઘરો અને ખાસ કરીને સુપ્રસિદ્ધ મંદિરોમાં રહેલા સોનાના ભંડારને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો અને અફવાઓ પર આખરે કેન્દ્ર સરકારે પૂર્ણવિરામ મૂકી દીધું છે. નાણા મંત્રાલયે મંગળવારે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે દેશના મંદિર ટ્રસ્ટો અથવા કોઈપણ ધાર્મિક સંસ્થાઓ પાસે રહેલા સોનાનું મુદ્રીકરણ (Monetization) કરવાનો કે તેને વેચવાનો સરકારનો કોઈ જ ઈરાદો નથી.
અફવાઓએ શું જોર પકડ્યું ?
તાજેતરમાં સરકાર દ્વારા નાગરિકોને એક વર્ષ માટે સોનાની ખરીદી મર્યાદિત રાખવાની અપીલ કરવામાં આવી હતી, જેના પગલે સોશિયલ મીડિયા પર એવી અફવાઓ જોર પકડી રહી હતી કે સરકાર હવે મંદિરો અને ઘરોમાં પડેલા સોનાને બજારમાં લાવવાની તૈયારી કરી રહી છે. જોકે સરકારે આ તમામ અટકળોને સખત શબ્દોમાં ફગાવી દીધી છે.
અહેવાલો તદ્દન ભ્રામક અને પાયાવિહોણા': નાણા મંત્રાલય
નાણા મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે ધાર્મિક સ્થળોના સોના અંગે ફેલાવવામાં આવી રહેલી વાતો સંપૂર્ણપણે ખોટી, ગેરમાર્ગે દોરનારી અને પાયાવિહોણી છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી કે મંદિરોના શિખરો, ગર્ભગૃહના દરવાજા કે અન્ય ધાર્મિક માળખા પર મઢવામાં આવેલા સોનાને ભારતના વ્યૂહાત્મક સોનાના ભંડાર (Strategic Gold Reserves) નો ભાગ ગણાવતા દાવાઓ તદ્દન ભ્રામક છે.
સરકારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આવી સોશિયલ મીડિયા અફવાઓ પર બિલકુલ વિશ્વાસ ન કરે અને તેને આગળ શેર ન કરે, કારણ કે આવી વણચકાસાયેલી માહિતી સમાજમાં બિનજરૂરી મૂંઝવણ અને ભયનો માહોલ ઊભો કરી શકે છે.
સત્તાવાર માહિતી પર જ ભરોસો રાખવા અપીલ
સરકારે દેશના તમામ નાગરિકોને માત્ર અધિકૃત માધ્યમો દ્વારા જાહેર કરાતી વિગતો પર જ વિશ્વાસ રાખવા વિનંતી કરી છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોઈપણ નીતિગત નિર્ણય કે સરકારી યોજનાની સત્તાવાર માહિતી માત્ર અને માત્ર સરકારી વેબસાઈટ્સ, પ્રેસ રિલીઝ (PIB) અને વેરિફાઈડ જાહેર સંચાર પ્લેટફોર્મ્સ દ્વારા જ જનતા સમક્ષ મૂકવામાં આવશે.
વિશ્વની ઘણી સેન્ટ્રલ બેંકો કરતાં ભારતના મંદિરો પાસે વધુ સોનું!
એક અંદાજ મુજબ, ભારતના ઘરો અને મંદિરોમાં સચવાયેલું સોનું દુનિયાના કેટલાય સમૃદ્ધ દેશોની મધ્યસ્થ બેંકોના કુલ ગોલ્ડ રિઝર્વ કરતાં પણ વધારે છે.
સરકાર અને RBI નો ભંડાર: ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પાસે સત્તાવાર રીતે આશરે 880 ટન સોનાનો ભંડાર છે.
મંદિરોનો અંદાજિત ભંડાર: મંદિરોમાં રહેલા સોનાના કુલ જથ્થા અંગે સરકાર પાસે કોઈ સત્તાવાર આંકડા નથી. જોકે, આર્થિક નિષ્ણાતો અને વિવિધ અહેવાલો સૂચવે છે કે દેશના વિવિધ મોટા મંદિરો પાસે સામૂહિક રીતે અંદાજે 3,000 થી 4,000 ટન સોનું હોઈ શકે છે.
આ વિશાળ જથ્થો વૈશ્વિક સ્તરે અનેક દેશોની કેન્દ્રીય બેંકો માટે પણ એક સ્વપ્ન સમાન છે, પરંતુ સરકારે ફરી એકવાર સાફ કર્યું છે કે આ ધાર્મિક સંપત્તિને અડકવાનો સરકારનો કોઈ પ્લાન નથી.
આ પણ વાંચો- Tamilnadu: 15 દિવસની અંદર દારૂની દુકાનો...CM બનતા જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય