ભારતીય મૂળના અબજોપતિ અને હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ પરમાનંદ હિન્દુજાનું 85 વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવારમાં તેમની પત્ની સુનિતા, બે પુત્રો સંજય અને ધીરજ અને પુત્રી રીટા છે. મંગળવારે બ્રિટિશ સાંસદ રામી રેન્જરે તેમના નિધનની પુષ્ટી કરી છે. રામી રેન્જરે ગોપીચંદ હિન્દુજાને "ખૂબ જ નમ્ર, ઉદાર અને વફાદાર મિત્ર" ગણાવ્યા અને કહ્યું કે તેમના નિધનથી એક યુગનો અંત આવ્યો છે.

7 વર્ષથી બ્રિટનના સૌથી ધનિક વ્યક્તિ હતા

1940માં ભારતમાં જન્મેલા ગોપીચંદ હિન્દુજા બ્રિટનના રિચ લિસ્ટમાં સતત 7 વર્ષ સુધી સૌથી ધનિક વ્યક્તિ તરીકે સ્થાન મળેલું હતું. તેમણે 1959માં મુંબઈની જય હિંદ કોલેજમાંથી સ્નાતક થયા. ત્યારબાદ તેમને વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાંથી કાયદાની માનદ ડોક્ટરેટની પદવી લીધી અને લંડનની રિચમંડ કોલેજમાંથી અર્થશાસ્ત્રની માનદ ડોક્ટરેટની પદવી મળી. હિન્દુજા પરિવારનો વ્યવસાય તેમના પિતા પરમાનંદ હિન્દુજાએ 1914માં શરૂ કર્યો હતો. શરૂઆતમાં તે ભારત અને ઈરાન વચ્ચે માલના વેપારમાં રોકાયેલી એક વેપારી કંપની હતી. ધીમે ધીમે, આ જૂથ તેલ, ઓટોમોબાઈલ અને નાણાં જેવા ક્ષેત્રોમાં વિસ્તર્યું અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવી.

હિન્દુજા ગ્રુપની મુખ્ય કંપનીઓ

ગોપીચંદ હિન્દુજા અને તેમના ભાઈ શ્રીચંદ હિન્દુજાએ મળીને આ જૂથને અબજો ડોલરના વૈશ્વિક જૂથમાં પરિવર્તિત કર્યું. 2023માં તેમના ભાઈ શ્રીચંદ હિન્દુજાના મૃત્યુ પછી, ગોપીચંદ હિન્દુજાએ હિન્દુજા જૂથની બાગડોર સંભાળી. તેઓ હિન્દુજા ઓટોમોટિવ લિમિટેડના ચેરમેન પણ હતા અને ઘણી ગ્રુપ કંપનીઓનું સંચાલન કરતા હતા. આજે હિન્દુજા ગ્રુપ વિશ્વભરના 30થી વધુ દેશોમાં કાર્યરત છે અને હજારો લોકોને રોજગારી આપે છે. તેના વ્યવસાયો ઘણા મુખ્ય ક્ષેત્રોમાં ફેલાયેલા છે.

  • ઓટોમોબાઈલ: અશોક લેલેન્ડ - ભારતની બીજી સૌથી મોટી વાણિજ્યિક વાહન ઉત્પાદક.
  • બેંકિંગ અને ફાઈનાન્સ: ઈન્ડસઈન્ડ બેંક અને હિન્દુજા બેંક (સ્વિટ્ઝર્લૅન્ડ).
  • ઊર્જા અને તેલ: ગલ્ફ ઓઈલ ઈન્ટરનેશનલ, એક અગ્રણી વૈશ્વિક લુબ્રિકન્ટ કંપની.
  • આઈટી અને હેલ્થકેર: હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ (એચજીએસ) - આઇટી અને બીપીઓ સેવા પ્રદાતા, તેમજ હેલ્થકેર સપોર્ટ સેવાઓમાં મુખ્ય ખેલાડી.
  • રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર: ગ્રુપની ઘણી કંપનીઓ ભારત અને યુકેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં સામેલ છે.

4.2 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ

એક અહેવાલ મુજબ હિન્દુજા પરિવારની કુલ સંપત્તિ આશરે £37 બિલિયન (આશરે ₹4.2 લાખ કરોડ) હોવાનો અંદાજ છે. ગોપીચંદ હિન્દુજા પરિવારને માત્ર બ્રિટનના સૌથી ધનિક પરિવાર તરીકે જ નહીં, પરંતુ તેમના સાંસ્કૃતિક અને સામાજિક યોગદાન માટે પણ ઓળખવામાં આવતા હતા. બ્રિટિશ સાંસદ રામી રેન્જરે તેમના શોક સંદેશમાં કહ્યું, "મને ઘણા વર્ષોથી તેમને જાણવાનો લ્હાવો મળ્યો. તેમની રમૂજ, સમાજ અને ભારત પ્રત્યેની તેમની સમર્પણ અને ઉમદા કાર્યોને સમર્થનએ તેમને ખાસ બનાવ્યા. તેમણે એક એવી ખાલી જગ્યા છોડી દીધી છે જેને ભરવી મુશ્કેલ હશે."