મંગળવારે સરકારે સ્પેશિયાલિટી સ્ટીલ માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ (PLI સ્કીમ)ના ત્રીજા તબક્કાની શરૂઆત કરી છે. આ યોજનાનો ઉદ્દેશ સ્થાનિક સ્ટીલ ઉત્પાદન વધારવા અને આયાત ઘટાડવાનો છે. કેન્દ્રીય સ્ટીલ મંત્રી એચડી કુમારસ્વામીએ આ ત્રીજા તબક્કાની શરૂઆત કરી, જેને PLI 1.2 કહેવામાં આવે છે.

કેટલો છે આ યોજનાનો કુલ?

અગાઉના બે તબક્કામાં આશરે ₹44,000 કરોડના રોકાણનું વચન આપવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, કેબિનેટે જુલાઈ 2021માં આ યોજનાને મંજૂરી આપી હતી, જેથી દેશના ઉચ્ચ-ગુણવત્તાવાળા, વિશેષ સ્ટીલના ઉત્પાદનમાં વધારો થાય, જેનો ઉપયોગ સંરક્ષણ, એરોસ્પેસ, ઊર્જા, ઓટોમોબાઈલ્સ અને માળખાગત સુવિધાઓ જેવા ક્ષેત્રોમાં થાય છે. આ યોજનાનો કુલ ખર્ચ ₹6,322 કરોડ છે અને આગામી કેટલાક વર્ષોમાં વિશેષ સ્ટીલની ક્ષમતામાં આશરે 26 મિલિયન ટનનો વધારો કરવાનો છે.

અનેક લોકોને મળ્યો છે રોજગાર

મંત્રી કુમારસ્વામીએ જણાવ્યું હતું કે "અત્યાર સુધી, આ યોજનાને આશરે ₹43,874 કરોડના રોકાણ પ્રતિબદ્ધતાઓ પ્રાપ્ત થઈ છે, જે દેશમાં 14.3 મિલિયન ટન નવી સ્ટીલ ક્ષમતા ઉમેરવાની અપેક્ષા છે." સપ્ટેમ્બર 2025 સુધીમાં પ્રથમ બે તબક્કામાં સામેલ કંપનીઓએ ₹22,973 કરોડનું રોકાણ કર્યું છે અને 13,284 લોકોને રોજગારી આપી છે. મંત્રીએ જણાવ્યું હતું કે પ્રથમ બે તબક્કાઓનો પ્રતિસાદ ખૂબ જ સારો રહ્યો છે, જે સાબિત કરે છે કે ભારતની નીતિઓ સુધારાવાદી અને ઉદ્યોગ તરફી છે.

ભારત સ્ટીલ ઉત્પાદન કેન્દ્ર બનવાના માર્ગ પર

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે PLI 1.2 ઉચ્ચ-ગુણવત્તાવાળા સ્ટીલ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર બનવા તરફ ભારતની પ્રગતિને વેગ આપશે. આ તબક્કામાં નવા રોકાણો ભવિષ્યની ઔદ્યોગિક અને સંરક્ષણ જરૂરિયાતો માટે મહત્વપૂર્ણ ઉત્પાદનો, જેમ કે સુપરએલોય, CRGO સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, ટાઈટેનિયમ એલોય અને કોટેડ સ્ટીલમાં કરવામાં આવશે. આ યોજના હાલના અને નવા રોકાણકારો માટે નવી તકો પણ ખોલશે, ખાસ કરીને MSME માટે જેમણે અગાઉના તબક્કાઓથી તેમની યોજનાઓનો વિસ્તાર કર્યો છે અથવા તેમાં સુધારો કર્યો છે.