ઓક્ટોબર મહિનામાં દેશભરમાં 40.24 લાખ વાહનોનુ વેચાણ થયું છે. આ સફળતા પાછળનું મોટુ કારણ છે GST 2.0 લાગુ થવું.સરકાર દ્વારા એન્ટ્રી લેવલ ટુ વ્હીલર અને નાની કાર પર જીએસટી દરોમાં ઘટાડાથી ખરીદી કરવી પહેલા કરતા જ વધારે સસ્તુ થયું.

ઓક્ટોબરમાં સૌથી વધારે કાર્સનું વેચાણ

ઓક્ટોબર મહિનો ભારતીય ઓટો સેક્ટર માટે નોંધપાત્ર રહ્યો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST 2.0) સુધારા બાદ વાહનોના ભાવમાં એટલો મોટો ઘટાડો થયો કે લોકો શોરૂમ તરફ દોડી ગયા. તહેવારોની મોસમમાં વાહનોના વેચાણમાં વધારો થયો. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) ના અહેવાલ મુજબ ભારતમાં ઓક્ટોબર 2025 માં કુલ વાહન નોંધણી 4.024 મિલિયન યુનિટ પર પહોંચી ગઈ, જે પાછલા વર્ષ કરતા 40.5 ટકા વધુ છે. આ અત્યાર સુધીનો સૌથી વધુ માસિક આંકડો છે, જે ટુ-વ્હીલર અને પેસેન્જર વાહન બંને સેગમેન્ટમાં ઇતિહાસ બનાવે છે.

તહેવારમાં સૌથી વધારે વેચાણ 

દશેરાથી દિવાળી સુધીના 42 દિવસના તહેવારોના સમયગાળામાં વેચાણ અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચ્યું. પેસેન્જર વાહનોમાં 11.4 ટકાનો વધારો જોવા મળ્યો, જે 55.7 મિલિયન યુનિટ સુધી પહોંચ્યો. આનો અર્થ એ થયો કે આ સમયગાળા દરમિયાન લોકોએ કારની ખરીદીમાં નોંધપાત્ર વધારો કર્યો. ટુ-વ્હીલરોએ 3.15 મિલિયન યુનિટનું ઐતિહાસિક વેચાણ નોંધાવ્યું, જેમાં 51.8 ટકાનો વિસ્ફોટક વધારો થયો.

વાણિજ્યિક વાહન સેગમેન્ટમાં 17.7 ટકાનો વધારો, ટ્રેક્ટરમાં 14.2 ટકાનો વધારો અને ત્રણ પૈડાંના વેચાણમાં 5.4 ટકાનો વધારો થયો હતો. જોકે બાંધકામ સાધનોના સેગમેન્ટમાં 30.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

FADAના પ્રમુખ સી.એસ. વિગ્નેશ્વરે જણાવ્યું હતું કે ઓક્ટોબર 2025 ભારતના ઓટો રિટેલ ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ વર્ષ હતું, જેમાં કર સુધારા અને તહેવારોએ રેકોર્ડબ્રેક પરિણામોમાં ફાળો આપ્યો હતો." તેમણે કહ્યું કે 40.5 ટકાની મજબૂત વૃદ્ધિ ગ્રાહક વિશ્વાસ અને આર્થિક વૃદ્ધિ બંનેની મજબૂતાઈ દર્શાવે છે.