22 સપ્ટેમ્બરે નવરાત્રિ શરૂ થઇ અને આ દિવસે જ કેન્દ્ર સરકારે જીએસટી રેટમાં મોટા ફેરફાર કર્યા. આ વર્ષે નવરાત્રિ પર ભારતના પ્રમુખ ઉત્પાદક અને રિટેલર્સને તો જાણે દિવાળી થઇ ગઇ. કારણ કે તેઓનું કહેવું છે કે દસ વર્ષના ઇતિહાસમાં આ વખતે સૌથી વધુ વેચાણ જોવા મળ્યું.

દિવાળી પહેલા બજારમાં મજબૂત માહોલ

આ મુખ્યત્વે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ના દરમાં ઘટાડો અને ઉત્પાદનના ભાવમાં ઘટાડો થવાને કારણે વેચાણમાં વધારો જોવા મળ્યો. લોકોની ખરીદશક્તિ વધી, આ ફેરફારથી તહેવારોની મોસમના આ પહેલા ભાગમાં ઉત્સાહ નવી ઊંચાઈએ પહોંચ્યો છે અને દિવાળી પહેલા ખરીદીનું વાતાવરણ મજબૂત બન્યું છે.

કાર વેચાણમાં તેજી

મુખ્ય કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ નવરાત્રિ દરમિયાન તેના કાર વેચાણમાં બમણો વધારો નોંધાવ્યો છે. કંપનીને નવરાત્રી દરમિયાન 700,000 થી વધુ ગ્રાહકોની પૂછપરછ અને 150,000 થી વધુ કાર બુકિંગ મળ્યા હતા. ગયા વર્ષની સરખામણીમાં આ નોંધપાત્ર વધારો છે. નવરાત્રી દરમિયાન 85,000 કાર વેચી હતી. મહિન્દ્રા અને હ્યુન્ડાઇ જેવી કંપનીઓએ પણ આ તહેવારોની મોસમમાં નોંધપાત્ર વેચાણ વૃદ્ધિ નોંધાવી છે. ખાસ કરીને હ્યુન્ડાઇના SUV મોડેલ્સ, ક્રેટા અને વેન્યુએ બજારમાં માંગમાં વધારો કર્યો છે.

ઇલેક્ટ્રોનિક્સના વેચાણમાં પણ વધારો

ઇલેક્ટ્રોનિક્સના વેચાણમાં પણ ઉછાળો આવ્યો છે. એલજી, હાયર અને ગોદરેજ જેવી મોટી બ્રાન્ડએ ગત વર્ષની તુલનાએ નવરાત્રિમાં 20 ટકાથી 85 ટકા સુધી વેચાણમાં વૃદ્ધિ કરી છે. હાયર ઇન્ડિયાએ 2.5 લાખથી વધારે કિંમત વાળા મોટા સ્ક્રિન વાળા ટીવી અને અન્ય ઘરેલુ ઉપકરણોનું વધારે વેચાણ કર્યું છે. જેનું સૌથી મોટું કારણ જીએસટી દરોમાં રાહત છે. વળી કંપનીઓ દ્વારા પણ ગ્રાહકને સારી ઓફર આપવામાં આવી હતી. 

  • Follow us on: