Hurun Philanthropy List 2025: એડેલગિવ અને હુરુન ફિસલૈથ્રોપી લીસ્ટ 2025 જાહેર થઈ છે. આ યાદીમાં સૌથી વધુ દાન કરનારા લોકોના નામ સામે આન્યા છે. શિવ નાદર આ યાદીમાં ફરી એકવાર ટોચ પર રહ્યા છે. એચસીએલના ફાઉન્ડર શિવ નાદરના ફાઉન્ડેશને આ વર્ષે સૌથી વધુ દાન કર્યું છે. આ યાદીમાં રિલાયન્સ ફાઉન્ડેશન બીજા ક્રમે છે. જ્યારે બજાજ ગૃપ ટ્રસ્ટ આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે.
પ્રતિદિન 7.4 કરોડ રૂપિયાનું દાન કર્યું
શિવ નાદરના ફાઉન્ડેશન દ્વારા મુખ્યત્વે શિક્ષણક્ષેત્રમાં ગત પાંચ વર્ષના સમયગાળા દરમિયાન 10122 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, શિવ નાદર અને તેમનો પરિવાર દાન કરવાના મામલે ગત પાંચ વર્ષથી ટોચ પર છે. તેમના ફાઉન્ડેશન દ્વારા ચાલુ વર્ષ દરમિયાન 2708 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે. આ સાથે તેમણે અને તેમના પરિવારે વ્યક્તિગતરૂપે 2537 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આમ સમુહ અને વ્યક્તિગત રીતે શિવ નાદર આ યાદીમાં ટોચ પર છે. શિવ નાદરે આ વર્ષે પ્રતિદિન 7.4 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.
મુકેશ અંબાણીનું સ્થાન કેટલામું?
જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસની પરોપકારી શાખા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે 626 કરોડનું દાન કરવામાં આવ્યું છે. જે તેમને આ યાદીમાં બીજા સ્થાને પહોંચાડે છે. આ યાદીમાં ત્રીજી સ્થાન પર બજાજ ગૃપ છે. બજાજ ગૃપ ટ્રસ્ટ દ્વારા 446 કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે.
વ્યક્તિગત રીતે કોણ આગળ?
શિવ નાદર અને તેમના પરિવારે વ્યક્તિગતરૂપે 2537 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. વ્યક્તિગત રીતે બીજા અને ત્રીજા સ્થાન પર ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નંદન નીલેકણિ અને તેમની પત્ની રોહિણી નીલેકણિ છે. નંદને ગત વર્ષે 356 કરોડનું દાન કર્યું છે, જ્યારે તેમની પત્ની રોહિણીએ 199 કરોડ રૂપિયાનું વ્યક્તિગત રીતે દાન કર્યું છે. આ સાથે રંજન પઈ અને તેમના પરિવારે 160 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
12 નવા લોકોની એન્ટ્રી
આ યાદીના ટોચના 25 લોકોએ ત્રણ વર્ષ દરમિયાન 50000 કરોડનું દાન આપવામાં આવ્યું છે. જે દૈનિક સરેરાશ 46 કરોડથી વધુ છે. વર્ષ 2025ની યાદીમાં 191 દાનવીરો સામેલ છે. જે 12 નવા સભ્યોનો ઉમેરો દર્શાવે છે. તેમણે કુલ મળીને 10380 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જે ત્રણ વર્ષ પહેલાની સરખામણીએ 85 ટકા વધારે છે.
રૂગટા સન્સ દ્વારા સીએસઆર માટે 181 કરોડનું યોગદાન આપવામાં આવ્યું છે. જે તેમની નિર્ધારિત રકમ કરતા 114 કરોડ રૂપિયા વધુ છે. આવી જ રીતે જિંદાલ સ્ટીલ એન્ડ પાવર દ્વારા સીએસઆર માટે 267 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે તેમની નિર્ધારિત કરેલી રકમ કરતા 100 કરોડ વધુ છે.