ભારતીય એરલાઇન્સ કંપનીઓ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. રેટિંગ એજન્સી ICRAએ પોતાના હાલના રિપોર્ટમાં વર્ષ 2026માં ભારતીય એરલાઇન્સને થનારા નુકસાનના આંકડા રજૂ કર્યા છે. જેનાથી ખ્યાલ આવી શકે છે કે આગામી વર્ષ એરલાઇન્સ કંપનીઓ માટે સારુ નહીં રહે, રિપોર્ટમાં ભારતીય એરલાઇન્સ કંપનીઓનો ચોખ્ખુ નુકસાન 95થી 105 અરબ રૂપિયા વચ્ચે રહેવાનું અનુમાન લગાવ્યું છે.
નુકસાનીનો આંકડો બમણો થયો
રિપોર્ટને જોતા હવે હવાઈ મુસાફરોને અસુવિધા થઈ શકે છે. કારણ કે એરલાઈન્સ માટે વધતા નુકસાનને કારણે હવાઈ ભાડામાં વધારો થઈ શકે છે અને સેવાઓમાં ઘટાડો થઈ શકે છે. નાણાકીય વર્ષ 2025 માટે એરલાઈન્સનું નુકસાન ₹55 અબજ હોવાનો અંદાજ હતો. જોકે, પછીના વર્ષે, આ આંકડો બમણો થઈ ગયો છે.
સ્થાનિક ફ્લાઇટ્સ પણ ઘટી
સ્થાનિક મુસાફરોની સંખ્યા ઘટી રહી છે.ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીમાં સ્થાનિક હવાઈ મુસાફરી 13.03 મિલિયન હતી. સપ્ટેમ્બર 2025માં આ ઘટીને 12.85 મિલિયન થઈ ગઈ છે જે 1.4 ટકાનો ઘટાડો છે. ઓગસ્ટમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સ્થાનિક ફ્લાઇટ્સમાં મંદી હોવા છતાં આંતરરાષ્ટ્રીય રૂટ પર ભારતીય એરલાઈન્સ માટે પરિસ્થિતિ સુધરી રહી હોય તેવું લાગે છે. ઓગસ્ટ 2025માં આશરે 2.99 મિલિયન લોકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરી હતી. આ ગયા વર્ષ કરતાં આશરે 7.8 ટકા વધુ છે.
એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં વધારો
ICRA દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે વધતા સંચાલન ખર્ચ એરલાઈન્સના વધતા નુકસાનનું મુખ્ય કારણ છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) સૌથી વધુ પ્રભાવિત છે. ફક્ત ઓક્ટોબર 2025 માં જ ATF ના ભાવમાં 3.3 ટકાનો વધારો થયો છે.
ડોલરમાં ચૂકવવામાં આવે છે ભાડું
વધતી કિંમતોએ એરલાઇન્સના ખર્ચ પર વધુ ભાર મૂક્યો છે. વધુમાં, ડોલરના સતત મજબૂત થવાથી એરલાઇન્સ પર નાણાકીય બોજ વધી રહ્યો છે. આવશ્યક ચીજવસ્તુઓ, સ્પેરપાર્ટ્સ અને વિમાનના ભાડા બધા ડોલરમાં ચૂકવવામાં આવે છે. નબળા પડતા રૂપિયાએ એરલાઇન્સને વધુ ચૂકવણી કરવાની ફરજ પાડી છે.