આવકવેરા વિભાગે ટેક્સ ચોરી રોકવા માટે હવે 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' (AI) નો સહારો લઈને મોટા પાયે તપાસ શરૂ કરી છે. ઈનકમ ટેક્સ વિભાગના રડાર પર ખાસ કરીને એવા ઉચ્ચ આવક ધરાવતા પ્રોફેશનલ્સ છે જેમની વાર્ષિક આવક 50 લાખ રૂપિયાથી વધુ છે. રિપોર્ટ અનુસાર, અનેક મલ્ટિનેશનલ કંપનીઓના CEO, MD અને સ્ટાર્ટઅપ્સના વરિષ્ઠ અધિકારીઓને IT વિભાગે નોટિસ પાઠવી છે.
શા માટે મોકલવામાં આવી રહી છે નોટિસ?
વિભાગે ડેટા એનાલિટિક્સ દ્વારા નોંધ્યું છે કે ઘણા ટેક્સપેયર્સે ટેક્સ બચાવવા માટે અનૈતિક માર્ગો અપનાવ્યા છે. નોટિસ મળવા પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:
નકલી HRA અને ટ્રાવેલ એલાઉન્સ: ઘણા અધિકારીઓએ ઘરભાડા ભથ્થું (HRA) અને ટ્રાવેલ એલાઉન્સને વાસ્તવિકતા કરતા ઘણું વધારે બતાવીને ટેક્સમાં છૂટ મેળવી છે.
વિદેશી આવક છુપાવવી: વિદેશી ક્લાયન્ટ્સ પાસેથી મળેલું ફંડ, ખાસ કરીને ક્રિપ્ટોકરન્સી દ્વારા મેળવેલી આવક જાહેર કરવામાં આવી નથી.
ખોટું દાન (Fake Donations): અનેક કિસ્સાઓમાં ચેરિટેબલ ટ્રસ્ટો અથવા એવી રાજકીય પાર્ટીઓને દાન આપ્યાનું દર્શાવાયું છે જે માન્યતા પ્રાપ્ત નથી.
સંપત્તિ અને આવકનો તફાવત: મોંઘી મિલકતોની ખરીદી કરી હોય પરંતુ આઇટી રિટર્નમાં આવકનો સ્ત્રોત યોગ્ય રીતે દર્શાવ્યો ન હોય તેવા કેસો પણ તપાસ હેઠળ છે.
ડિજિટલ વોચ અને AI નો ઉપયોગ
હવે ઇન્કમ ટેક્સ વિભાગ માત્ર કાગળો પર નિર્ભર નથી. ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ક્રોસ-બોર્ડર ડેટાના મિશ્રણથી કોઈપણ વિસંગતતા તુરંત પકડાઈ જાય છે. વિભાગે અધિકારીઓને કડક કાર્યવાહી કરતા પહેલા તેમના ITR સુધારવાની તક આપી છે. જો ભૂલ સુધારવામાં નહીં આવે તો પેનલ્ટી, વ્યાજ અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. FMCG, IT, ઓટોમોબાઈલ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રના માંધાતાઓ હાલ તપાસના ઘેરામાં છે.