બેંક ખાતામાં મોટી રકમ રોકડ જમા કર્યા બાદ જો આવકવેરા વિભાગ તરફથી નોટિસ આવે તો મુશ્કેલી વધી શકે છે. બેંગલુરુના બાલકૃષ્ણમૂર્તિ રામચંદ્રબાબુ સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. તેમણે પોતાની ખેતીની જમીન પર શાકભાજી અને ફળો ઉગાડીને સ્થાનિક APMCમાં વેચ્યા હતા અને વેચાણમાંથી મળેલી રકમ બેંક ખાતામાં જમા કરી હતી. આવકવેરા વિભાગે આ રોકડ જમા અંગે સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ બાદમાં બેંગલુરુ ITAT એટલે કે આવકવેરા અપીલ ટ્રિબ્યુનલે (Income Tax Appellate Tribunal Bangalore) તેમના પક્ષમાં નિર્ણય આપ્યો હતો.

શું હતી આખી ઘટના?

રામચંદ્રબાબુએ પોતાના SBI બેંક ખાતામાં મોટી રકમ રોકડ જમા કરી હતી અને સાથે જ મિલકતની ખરીદી-વેચાણ પણ કરી હતી. આવકવેરા વિભાગને તેમના ITRમાં આ વ્યવહારોની વિગત મળી નહોતી, જેના આધારે તેમને નોટિસ મોકલવામાં આવી હતી.

રામચંદ્રબાબુએ જણાવ્યું કે તેમની પાસે 4 એકર 4 ગુંઠા ખેતીની જમીન છે, જેમાં તેઓ ફળો અને શાકભાજી ઉગાડે છે. તેમણે આ ઉપજ સ્થાનિક APMCમાં રોકડમાં વેચી હતી અને તેમાંથી મળેલી રકમ બેંકમાં જમા કરી હતી. તેમણે કહ્યું કે કૃષિ આવક પર ટેક્સ લાગતો નથી, તેથી જાણકારીના અભાવે તેમણે આ આવક ITRમાં દર્શાવી નહોતી.

આવકવેરા વિભાગ અને CITએ દાવો ફગાવ્યો

ઇનકમ ટેક્સ અધિકારી AOની દલીલ હતી કે સરકારી જમીનના રેકોર્ડ RTCમાં જમીન પર કયો પાક ઉગાડવામાં આવ્યો હતો તેનો ઉલ્લેખ નહોતો. ખેડૂત પાસે બીજ, ખાતર અને ખેતીના અન્ય ખર્ચના પાકા બિલ અથવા રસીદો પણ નહોતા. આ પહેલાં અને ત્યારબાદના વર્ષોના ITRમાં કૃષિ આવકનો કોઈ ઉલ્લેખ નહોતો.

આ દલીલોના આધારે AO અને ત્યારબાદ કમિશનર ઓફ અપીલ્સ CITએ ખેડૂતની અપીલ ફગાવી દીધી હતી. ત્યારબાદ આ મામલો ITAT બેંગલુરુ પહોંચ્યો હતો.

ITATએ ખેડૂતના પક્ષમાં નિર્ણય આપ્યો

ITAT બેંગલુરુએ આવકવેરા વિભાગનો દાવો ફગાવી દીધો. ITATએ કહ્યું કે ખેડૂતે APMC યાર્ડના વેચાણ બિલ અને જમીનના દસ્તાવેજો રજૂ કર્યા હતા. APMC રાજ્ય સરકારની માન્ય સંસ્થા છે, તેથી તેના દ્વારા જારી કરવામાં આવેલા બિલને ફગાવી શકાય નહીં.

ITAT મુજબ AOએ પોતાની તરફથી ખેડૂતના દાવાની કોઈ સ્વતંત્ર તપાસ અથવા ચકાસણી કરાવી નહોતી અને ન તો તેની વિરુદ્ધ કોઈ પુરાવો રજૂ કર્યો હતો. બીજી તરફ ટ્રિબ્યુનલે માન્યું કે નાના પાયે ખેતી કરતા ખેડૂત માટે બીજ અથવા ખાતરના પાકા બિલ સાચવી રાખવા હંમેશા વ્યવહારુ નથી.

ITRમાં કૃષિ આવક ન દર્શાવવી માત્ર નિયમપાલન સાથે જોડાયેલી ભૂલ હતી. જો આવકના સ્ત્રોતને સાબિત કરતા પૂરતા દસ્તાવેજો જેમ કે APMCના બિલ અને જમીનના રેકોર્ડ ઉપલબ્ધ હોય, તો માત્ર ITRમાં આવક ન દર્શાવવાના આધારે બેંકમાં જમા કરેલી રોકડને કલમ 69A હેઠળ જાહેર ન કરેલી આવક ગણી શકાય નહીં. આવી સ્થિતિમાં ખેડૂતને ITAT તરફથી રાહત મળી.