રાજ્યની માલિકીની તેલ કંપની ઇન્ડિયન ઓઇલ તેલ આયાત સાથે સંકળાયેલા નૂર ખર્ચ ઘટાડવા માટે પોતાના જહાજો ખરીદવાનું આયોજન કરી રહી છે. 

તેલની આયાત વધુ મોંઘી થઈ

દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) એ આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા માલભાડા (Freight Cost) ના બોજમાંથી બચવા માટે એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે. કંપની કાચા તેલ (Crude Oil) અને એલપીજી (LPG)ની આયાત માટે લાગતા ઊંચા પરિવહન ખર્ચને ઘટાડવા માટે પ્રથમ વખત પોતાના જહાજો અને તેલ ટેન્કરો ખરીદવાનું આયોજન કરી રહી છે. આ હેતુ માટે કંપનીએ જહાજોના ઓર્ડર આપવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

તેલનું પરિવહન ખૂબ જ મોંઘું

વાસ્તવમાં, વૈશ્વિક રાજકીય પરિસ્થિતિઓ, ખાસ કરીને મધ્ય પૂર્વમાં અમેરિકા-ઈરાન સંઘર્ષ અને હોર્મુઝની અખાતી સ્ટ્રેટ (Strait of Hormuz) માં સર્જાયેલી તંગદિલીને કારણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પરથી તેલનું પરિવહન ખૂબ જ મોંઘું થઈ ગયું છે. આ પરિસ્થિતિને કારણે માત્ર કાચા તેલના ભાવ જ નથી વધ્યા, પરંતુ દરિયાઈ માલભાડાના દરોમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો છે. તેની સીધી પ્રતિકૂળ અસર સરકારી તેલ કંપનીઓના નફાકારકતા અને દેશમાં પેટ્રોલ-ડીઝલના રિટેલ ભાવ પર પડી રહી છે.

85 ટકા કાચું તેલ વિદેશોમાંથી આયાત

ભારત પોતાની સ્થાનિક જરૂરિયાતનું આશરે 85 ટકા કાચું તેલ વિદેશોમાંથી આયાત કરે છે. અત્યાર સુધી સરકારી અને ખાનગી તેલ કંપનીઓ તેલ લાવવા માટે વિદેશી શિપિંગ કંપનીઓના ટેન્કરો ભાડે લેતી હતી. પરંતુ ભાડાના દરો સતત વધતા હોવાથી અને પુરવઠા શૃંખલામાં અવરોધો ઊભા થતાં, ઇન્ડિયન ઓઇલે આત્મનિર્ભરતા તરફ કદમ ઉઠાવીને પોતાના તેલ ટેન્કરો અને એલપીજી કેરિયર્સ ખરીદવાનો માર્ગ પસંદ કર્યો છે.

ઈંધણના ભાવ સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા

આ નિર્ણયથી ઇન્ડિયન ઓઇલને લાંબા ગાળે કરોડો રૂપિયાના ભાડાની બચત થશે અને દરિયાઈ સંકટો વખતે પણ ભારત માટે ઈંધણનો પુરવઠો સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવામાં મદદ મળશે. શિપિંગ ક્ષેત્રે ડાયરેક્ટ પ્રવેશ કરીને કંપની દેશમાં ઈંધણના ભાવ સ્થિર રાખવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.

આ પણ વાંચોઃ સુરત-ચેન્નાઈ એક્સપ્રેસવે પર રક્તરંજિત અકસ્માત, માતા ભવાનીના દર્શન કરી પરત ફરતા 4 યુવકના મોત