સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કાચા તેલ અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)ની આયાત માટે વિદેશી જહાજો પરની નિર્ભરતા ઘટાડવાની યોજના બનાવી રહી છે. હકીકતમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે હોર્મુઝની સામુદ્રધુની (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) આસપાસ જહાજોની અવરજવરમાં આવી રહેલી અડચણો અને માલસામાનની હેરફેરનો વધતો ખર્ચ જોતાં કંપની પોતાની સપ્લાય ચેઇનને વધુ મજબૂત બનાવવા માગે છે.

ભારતની સૌથી મોટી તેલ રિફાઇનરી કંપનીના નાણાકીય નિર્દેશક અનુજ જૈને બીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામો અંગે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે કંપનીના બોર્ડે અગાઉ જ કેટલાક જહાજો ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આ માટે કેટલાક મહિના પહેલાં જ ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યાં હતાં. તેમણે વધુમાં કહ્યું કે, 'હવે દેશ માટે એ જરૂરી બની ગયું છે કે ઓઇલ ક્ષેત્રની કંપનીઓ જહાજોની વ્યવસ્થા પર વધુ ધ્યાન આપે.'

એટલું જ નહીં, IOC સરકારની 'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ ભારતમાં જ જહાજો બનાવવાની શક્યતાઓ પર પણ વિચાર કરી રહી છે.

કંપનીના આ નિર્ણયથી શું ફાયદો થશે?

યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પણ ભારતને કાચા તેલ અને રાંધણ ગેસ (LPG)નો પુરવઠો કોઈપણ અડચણ વિના ચાલુ રાખવામાં મદદ મળશે.

પોતાના જહાજો હોવાથી કંપની આંતરરાષ્ટ્રીય બજારમાં માલભાડાના દરમાં થતા અચાનક વધઘટથી બચી શકશે. તેનાથી સ્થાનિક બજારમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના ભાવ સ્થિર રાખવામાં મદદ મળી શકે છે.

જહાજો લાંબા ગાળાના ભાડા કરાર (Lease) પર લેવા અથવા તેની માલિકી મેળવવાથી IOC પોતાની જરૂરિયાત અને અનુકૂળતા પ્રમાણે જહાજોના માર્ગ અને સમય નક્કી કરી શકશે.

IOC માટે આ નિર્ણય લેવો કેમ જરૂરી બન્યો?

છેલ્લા કેટલાક મહિનાઓથી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે હોર્મુઝની સામુદ્રધુનીની સાથે લાલ સમુદ્રના દરિયાઈ માર્ગ પર પણ સ્થિતિ સંવેદનશીલ બની હતી. યુદ્ધ અને હુમલાના ભયને કારણે અનેક આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓએ આ જોખમી દરિયાઈ માર્ગો પરથી કાચા તેલની હેરફેર કરવાનો ઇનકાર કરી દીધો હતો.

જહાજોની અછત અને યુદ્ધના જોખમને કારણે વધારવામાં આવેલા વીમા પ્રીમિયમના કારણે ભારત માટે કાચું તેલ લાવવાનો દરિયાઈ પરિવહન ખર્ચ અને વીમાનો ખર્ચ અનેકગણો વધી ગયો હતો.

આવી સ્થિતિમાં વિદેશી જહાજો પરની નિર્ભરતા ઘટાડીને પોતાનાં જહાજોની વ્યવસ્થા કરવી IOC માટે જરૂરી બની ગયું છે. આ નિર્ણયથી ભવિષ્યમાં તેલ અને ગેસના પુરવઠાને વધુ સુરક્ષિત અને સ્થિર બનાવવામાં મદદ મળી શકે છે.