ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઘાતક હુમલા કરવામાં આવી રહ્યા છે.જેને લઇને વૈશ્વિક ઊર્જા પુરવઠામાં વિક્ષેપ પડે તેવી સંભાવનાઓ વધી રહી છે. વળી એશિયન બજારો ખુલતાની સાથે જ તેલના ભાવમાં 10 ટકા સુધીનો ઉછાળો આવ્યો છે.
ક્રૂ઼ડ ઓઇલના ભાવમાં વધારો
સોમવારે શરૂઆતના વેપાર દરમિયાન બ્રેન્ટ ક્રૂડ અને નાયમેક્સ લાઇટ સ્વીટ ક્રૂડ બંનેના ભાવમાં તીવ્ર વધારો થયો. એક સમયે બ્રેન્ટ 12% થી વધુ વધીને લગભગ $82 પ્રતિ બેરલ થયો, જે શુક્રવારના બંધ ભાવ $73 થી થોડો વધારે હતો. જ્યારે યુએસ ક્રૂડ તેલ લગભગ $8, અથવા 12% વધીને લગભગ $75 પ્રતિ બેરલ થયો. બીજી તરફ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ લગભગ 8% વધીને $72 થયો. આ બધા વચ્ચે હવે મોટો પ્રશ્ન એ છે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલના ભાવમાં વધારો ભારત પર શું અસર કરશે?
તેલની ખરીદી માટે ભારતને કેટલી પડશે મુશ્કેલી ?
નિષ્ણાંતો માને છે કે ઈરાન અને હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ વધતા તણાવ છતાં ભારતનો તેલ પુરવઠો તાત્કાલિક ખોરવાવાની શક્યતા નથી. ભારતે આ સમયે ગભરાવાની જરૂર નથી, કારણ કે ભારતીય રિફાઇનર્સ પાસે હાલમાં ઓછામાં ઓછા 10 દિવસની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતો ક્રૂડ ઓઇલ સ્ટોક છે. તેમની પાસે 5-7 દિવસ માટે ઇંધણનો ભંડાર પણ છે. તેથી જો પુરવઠો થોડા સમય માટે ખોરવાઈ જાય તો પણ તેઓ તેનું સંચાલન થઇ શકે તેમ છે.
ભારત પાસે પ્લાન બી પણ છે
કટોકટીની સ્થિતિમાં ભારત પાસે પ્લાન B પણ છે. આ યોજના હેઠળ ભારત વિશ્વભરના વિવિધ દેશોમાંથી, યુનાઇટેડ સ્ટેટ્સથી પશ્ચિમ આફ્રિકા, રશિયા અને લેટિન અમેરિકા સુધી તેલનો પુરવઠો વધારી શકે છે. આનો અર્થ એ છે કે ભારત હવે તેલ માટે ફક્ત મધ્ય પૂર્વ પર નિર્ભર નથી. અન્ય દેશો સાથે વધતી જતી વેપાર ભાગીદારી સાથે ભારતની ઊર્જા સુરક્ષા પહેલા કરતા વધુ મજબૂત બની છે.
નિષ્ણાતો કહે છે કે ભારતે અમેરિકાના દબાણ હેઠળ રશિયા પાસેથી તેલ ખરીદીમાં ઘટાડો કર્યો હતો પરંતુ જો મધ્ય પૂર્વમાં કોઈ સમસ્યા સર્જાય તો આપણે રશિયા પાસેથી તેલની ખરીદી કરી શકીએ છીએ. એકમાત્ર મુદ્દો પરિવહન સમયનો છે. મધ્ય પૂર્વથી એક જહાજ ભારત પહોંચવામાં પાંચ દિવસ લે છે જ્યારે રશિયાથી એક જહાજ ઓછામાં ઓછો એક મહિનો લે છે. તેથી સમયસર ઓર્ડર આપવાનો પ્રશ્ન છે. વધુમાં જેમ પહેલાથી જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમ ભારત પાસે તેના વ્યૂહાત્મક અનામતનો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ છે જે એક અઠવાડિયાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ઇન્વેન્ટરી ધરાવે છે.
ભારતનો વિદેશી વિનિમય અનામત
ભારત પાસે હાલમાં આશરે $720-730 બિલિયનનો વિદેશી મુદ્રા ભંડાર છે. એવામાં તેલની કિંમતમાં અચાનક ઉછાળો અને રૂપિયામાં અસ્થિરતાને સંભાળવાની તાકાત ભારત ધરાવે છે. દેશનું મજબૂત વિદેશી મુદ્રા ભંડાર કોઇ સુરક્ષા કવચથી ઓછી નથી. તેલની કિંમતમાં વધારો થવો તે પડકારજનક છે જ પરંતુ ભારતનો આર્થિક પાયો એટલો મજબૂત છે કે તે આવા કોઈપણ આંચકાનો સામનો કરી શકે છે.
ફેબ્રુઆરી 2026 માં ₹1.83 લાખ કરોડનો GST સંગ્રહ આ હકીકતનો પુરાવો છે, જે દર્શાવે છે કે દેશમાં આર્થિક પ્રવૃત્તિ ઝડપી ગતિએ આગળ વધી રહી છે, સ્થાનિક માંગ મજબૂત છે, અને આ વૈશ્વિક આંચકાઓને ઘટાડવામાં મદદ કરી શકે છે.
