આ વર્ષે ઈન્કમ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 હતી, જે છેલ્લી ક્ષણે એક દિવસ એટલે કે 16 સપ્ટેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. સરકારી આંકડા અનુસાર અત્યાર સુધીમાં 7.3 કરોડથી વધુ લોકો તેમનું ટેક્સ રિટર્ન ફાઈલ કરી ચૂક્યા છે. આ સંખ્યા ગયા વર્ષના રેકોર્ડ 7.28 કરોડ કરતા વધુ છે. ગયા વર્ષે છેલ્લા દિવસે લગભગ 70 લાખ લોકોએ રિટર્ન ફાઈલ કર્યા હતા. જો આ વખતે પણ એટલી જ સંખ્યામાં કરદાતાઓ રિટર્ન ફાઈલ કરે છે તો આ વર્ષે ફાઈલ કરાયેલા ITRનો કુલ આંકડો 8 કરોડને પાર કરી શકે છે. આ એક મોટો રેકોર્ડ બની શકે છે.
https://twitter.com/IncomeTaxIndia/status/1967660597115285827
સરકારે છેલ્લી તારીખ લંબાવી
ઈન્કમ ટેક્સ વિભાગે પણ માહિતી આપી છે કે રિટર્ન ફાઈલ કરવાની સુવિધા વધારવા માટે આ વખતે અંતિમ તારીખ એક દિવસ એટલે કે 16 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. આ રાહત ખાસ કરીને એવા લોકો માટે છે, જેઓ હજુ સુધી પોતાનું રિટર્ન પૂર્ણ કરી શક્યા નથી. ઈન્કમ ટેક્સ વિભાગનું પોર્ટલ પહેલા કરતા વધુ સારી રીતે કામ કરી રહ્યું હોવા છતાં ઘણા કરદાતાઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હજુ પણ ખામીઓની ફરિયાદ કરી રહ્યા છે. ઘણા લોકોએ ફરિયાદ કરી છે કે વેબસાઈટ ઘણીવાર ભૂલો આપે છે અને રિટર્ન ફાઈલ કરવામાં ઘણો સમય લાગે છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે પોર્ટલની ખામીઓ વિશે પણ વાત કરી છે.
રિટર્ન લેટ ફાઈલ કરવા બદલ થશે મોટો દંડ
એક યુઝર્સે ટ્વીટ કર્યું કે છેલ્લા દિવસે દરેક વ્યક્તિ રિટર્ન ફાઈલ કરવાનો પ્રયાસ કરે છે, તેથી સાઈટ ક્રેશ થઈ જાય છે. તેમણે સૂચન કર્યું છે કે જો આવી સમસ્યા ચાલુ રહે છે તો ઓછામાં ઓછું એક-બે દિવસનું એક્સટેન્શન આપવું જોઈએ, જેથી દરેક વ્યક્તિ આરામથી રિટર્ન ફાઈલ કરી શકે. જો તમે આજે પણ તમારું ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકતા નથી તો વધુ ચિંતા કરવાની જરૂર નથી, તમે પછીથી પણ રિટર્ન ફાઈલ કરી શકો છો, પરંતુ આ માટે તમારે 5,000 રૂપિયા સુધીનો દંડ અને વધારાનું વ્યાજ ચૂકવવું પડશે.