રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે મીડિયા નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે દેશમાં ઊર્જા પુરવઠો સ્થિર અને વિશ્વસનીય રહે તે માટે કંપની દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. કંપનીએ જણાવ્યું કે સરકારના માર્ગદર્શન અનુસાર જામનગર સ્થિત પોતાના રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સમાં LPG ઉત્પાદન વધારવા માટે કામગીરી તેજ કરવામાં આવી છે. જામનગર વિશ્વનું સૌથી મોટું ઈન્ટિગ્રેટેડ રિફાઈનિંગ હબ ગણાય છે.

https://twitter.com/RIL_Updates/status/2031400946723627313


રિલાયન્સની ટીમો સતત 24 કલાક કામગીરી કરશે

કંપનીના નિવેદન મુજબ રિલાયન્સની ટીમો સતત 24 કલાક કામગીરી કરીને રિફાઈનરી ઓપરેશન્સને વધુ કાર્યક્ષમ બનાવવાના પ્રયાસ કરી રહી છે. તેનો મુખ્ય હેતુ ઘરેલુ બજારમાં LPGનો પુરવઠો સ્થિર અને વિશ્વસનીય રહે તે સુનિશ્ચિત કરવાનો છે. આ ઉપરાંત કંપનીએ જણાવ્યું કે ક્રિષ્ના-ગોદાવરી બાસીનમાંથી ઉત્પન્ન થતો નેચરલ ગેસ સરકારના માર્ગદર્શન અનુસાર પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને સપોર્ટ કરવા માટે મોકલવામાં આવશે. આ નિર્ણય દેશની ઊર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

સરકારની માર્ગદર્શિકા મુજબ ગેસની ફાળવણી કરાશે

રિલાયન્સે વધુમાં જણાવ્યું કે કંપની ભારત સરકાર સાથે નજીકથી સંકલન કરીને કામ કરી રહી છે અને તમામ રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓ અને ગેસ ફાળવણી સંબંધિત નિયમોનું સંપૂર્ણ પાલન કરશે. કંપનીનો ઉદ્દેશ એ છે કે દેશના મહત્વપૂર્ણ ક્ષેત્રો અને સમાજના તમામ વર્ગો સુધી ઊર્જા પુરવઠો સરળતાથી પહોંચે. રિલાયન્સે જણાવ્યું કે ઊર્જા સુરક્ષા અને પુરવઠાની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કંપની ભવિષ્યમાં પણ સરકાર સાથે સહયોગ કરીને કામ કરતી રહેશે.

આ પણ વાંચો : Indigo એરલાઈન્સના CEO પીટર એલ્બર્સે આપ્યું રાજીનામું, શું છે કારણ?