'UPI વેપાર સક્ષમ' નામની આ યોજના હેઠળ પહેલીવાર પોતાની દુકાનમાં ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા વેપારીઓને નવો QR કોડ અને સાઉન્ડબોક્સ લગાવવા માટે 300થી 750 રૂપિયા સુધીની પ્રોત્સાહક રકમનો લાભ મળશે.
શું મળશે લાભ?
સામાન્ય રીતે દુકાનદારો પોતાની દુકાનમાં ડિજિટલ પેમેન્ટ મળ્યાની જાણકારી આપતો સાઉન્ડબોક્સ લગાવે છે. તેના માટે તેમને સંબંધિત કંપનીઓને ભાડું અથવા ચાર્જ ચૂકવવો પડે છે. જોકે, NPCIની UPI વેપાર સક્ષમ યોજના હેઠળ સાઉન્ડબોક્સ પાછળ થતો 750 રૂપિયા સુધીનો ખર્ચ NPCI અથવા સરકાર ભોગવશે. આથી દુકાનદારોને સાઉન્ડબોક્સ મફતમાં અથવા ખૂબ જ ઓછી કિંમતે મળી શકશે.
આવી જ રીતે, દુકાનમાં પહેલીવાર નવો QR કોડ લગાવવા અને તેનું સેટઅપ કરવા પાછળ થતા 300 રૂપિયા સુધીના ખર્ચની રકમ NPCI દ્વારા બેંક અથવા પેટીએમ, ફોનપે જેવી પેમેન્ટ કંપનીઓને આપવામાં આવશે. એટલે કે આ યોજનાનો લાભ લઈને દુકાનદારોને QR કોડ અને સાઉન્ડબોક્સ લગાવવા માટે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચવા નહીં પડે.
જોકે, આ લાભ માત્ર એવા નાના દુકાનદારોને જ મળશે, જેમણે અગાઉ ક્યારેય પોતાની દુકાનમાં UPI દ્વારા પેમેન્ટ સ્વીકાર્યું નથી અને હવે પહેલીવાર નવી વ્યવસ્થા શરૂ કરવા માગે છે.
યોજનાનો લાભ કેવી રીતે મેળવવો?
જે દુકાનદારો પોતાની દુકાનમાં પહેલીવાર સાઉન્ડબોક્સ અથવા QR કોડ લગાવવા માગે છે, તેઓ જે બેંકમાં તેમનું ચાલુ ખાતું (Current Account) અથવા બચત ખાતું (Savings Account) છે ત્યાં જઈને મર્ચન્ટ QR કોડ અને સાઉન્ડબોક્સ માટે અરજી કરી શકે છે.
આ ઉપરાંત, તેઓ પોતાના સ્માર્ટફોનમાં Paytm for Business, PhonePe Business, Google Pay for Business અથવા BharatPe એપ ડાઉનલોડ કરીને પણ ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કર્યા બાદ સંબંધિત કંપનીનો એજન્ટ દુકાન પર આવીને QR કોડ અને સાઉન્ડબોક્સનું સેટઅપ કરી આપશે.
જ્યારે કોઈ બેંક અથવા પેમેન્ટ કંપની નાના દુકાનદારને પહેલીવાર UPI સાથે જોડે છે, ત્યારે તે કંપની NPCIના પોર્ટલ પર દુકાનદારની વિગતો નોંધે છે.
ત્યારબાદ દુકાનમાં સતત 2 મહિના સુધી દર મહિને ઓછામાં ઓછા 25 ટ્રાન્ઝેક્શન અને કુલ 5,000 રૂપિયાનું પેમેન્ટ થાય તો NPCI સંબંધિત બેંક અથવા પેમેન્ટ કંપનીના ખાતામાં QR કોડ માટે 300 રૂપિયા અને સાઉન્ડબોક્સ માટે 750 રૂપિયા સુધીની પ્રોત્સાહક રકમ મોકલે છે.