દેશના દરેક નાગરિકને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના હેતુથી શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જનધન યોજના (PM-JDY)એ 12 વર્ષ પૂર્ણ કર્યા છે. 19 ઓગસ્ટ 2026 સુધીના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 59.09 કરોડ જનધન એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. આ યોજના દ્વારા બેન્કિંગ સુવિધાથી વંચિત લોકો હવે બચત ઉપરાંત વીમા, પેન્શન અને સરકારી યોજનાઓનો લાભ પણ લઈ રહ્યા છે. યોજનાની શરૂઆત બાદ તેની અસરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 2015માં માત્ર એક સપ્તાહમાં 1.8 કરોડથી વધુ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા અને તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું.
મહિલાઓની ભાગીદારી વધી
59.09 કરોડ એકાઉન્ટમાંથી 32.92 કરોડ એકાઉન્ટ મહિલાઓના છે. જ્યારે 45.95 કરોડ એકાઉન્ટ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં તથા 13.14 કરોડ એકાઉન્ટ શહેરી વિસ્તારોમાં છે. એકાઉન્ટમાં જમા રકમમાં પણ મોટો વધારો થયો છે. માર્ચ 2015માં ₹15,670 કરોડની સામે હવે આ રકમ વધીને ₹3,16,514 કરોડ થઈ છે.
