ભારતીય શેરબજાર માટે ચાલુ સપ્તાહ ઘણું નબળું સાબિત થયું છે. શુક્રવાર 24 એપ્રિલના રોજ સતત ત્રીજા દિવસે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સમાં આશરે 1% નો ઘટાડો નોંધાયો હતો.
શેરબજારની શુક્રવારની શું છે સ્થિતિ
સેન્સેક્સ: 1000 પોઈન્ટથી વધુ ગગડીને 76680 ના સ્તરે પહોંચ્યો.
નિફ્ટી: આશરે 240 પોઈન્ટના ઘટાડા સાથે 23899ના સ્તરે બંધ રહ્યો.
નુકસાન: માત્ર શુક્રવારે જ રોકાણકારોએ ₹6 લાખ કરોડ ગુમાવ્યા. જો છેલ્લા ત્રણ દિવસની વાત કરીએ તો કુલ નુકસાનનો આંકડો ₹9 લાખ કરોડ પર પહોંચી ગયો છે.
શેરબજારમાં ઘટાડાના 4 મુખ્ય કારણો
બજાર અચાનક કેમ તૂટ્યું? નિષ્ણાતો તેના પાછળ નીચે મુજબના કારણો ગણાવી રહ્યા છે:
1. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ:
વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે શાંતિ સમજૂતી થવાના કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની નૌકાઓ પર કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે, જેની સામે ઈરાને પણ વળતો પ્રહાર કરવાની ચેતવણી આપી છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા આ સંઘર્ષને કારણે બજારમાં અનિશ્ચિતતાનો માહોલ છે.
2. કાચા તેલના ભાવમાં ભડકો:
ચાલુ અઠવાડિયે કાચા તેલ (Crude Oil) ની કિંમતોમાં 18% જેટલો જંગી ઉછાળો જોવા મળ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં યોજાનારી વાતચીત રદ થતા તેલના પુરવઠાને લઈને ચિંતા વધી છે, જેની સીધી અસર શેરબજાર પર પડી રહી છે.
3. રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ:
ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. શુક્રવારે રૂપિયો ડોલર સામે ૨૪ પૈસા તૂટીને 94.25 ના સ્તરે પહોંચી ગયો હતો. સતત પાંચ દિવસથી રૂપિયામાં થઈ રહેલા ઘટાડાએ રોકાણકારોનો ઉત્સાહ ઠંડો પાડ્યો છે.
4. વિદેશી રોકાણકારોની પીછેહઠ:
વિદેશી સંસ્થાગત રોકાણકારો (FIIs) ફરી એકવાર ભારતીય બજારમાંથી નાણાં ખેંચી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં જ વિદેશી રોકાણકારોએ આશરે ₹8,300 કરોડ ના શેર વેચી દીધા છે. કાચા તેલના વધતા ભાવ અને રૂપિયાની નબળાઈને જોતા વિદેશી રોકાણકારો સાવચેતી દાખવી રહ્યા છે.
નિષ્ણાતોનું શું કહેવું છે?
બજારના નિષ્ણાત વી.કે. વિજયકુમારના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી પશ્ચિમ એશિયાના દેશો વચ્ચેનો વિવાદ શાંત નહીં થાય અને તેલના ભાવ સ્થિર નહીં થાય, ત્યાં સુધી બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે. મોટી કંપનીઓના શેરમાં હાલ નબળાઈ જોવા મળી રહી છે.










