સોના ચાંદીના ભાવમાં વધ ઘટ થયા કરે છે. તેમાં પણ ચાંદીના ભાવ તો 2.5 લાખને પાર પહોંચ્યા છે. સોનું પણ દોઢ લાખની નજીક છે. તેવામાં રાહતની વાત એ છે કે ચાંદીના ભાવ હાલ જબરદસ્ત ઘટાડો થયો છે. એમસીએક્સ અનુસાર અત્યારે ચાંદીના ભાવમાં 21500 રૂપિયાનો ઘટાડો થયો છે.


ચાંદીના ભાવમાં ઘટાડો 

આજે દિવસની શરૂઆત થતા જ ચાંદીએ ઇતિહાસ રચ્યો અને બપોર થતા થતા તો ચાંદી ધડામ થઇ ગઇ. MCX પર ચાંદીના માર્ચના વાયદાના ભાવે સવારે ₹254,174 પ્રતિ કિલોનો રેકોર્ડ તોડ્યો, ત્યારે એવું લાગતું હતું કે આ ચાંદી માટે 2025નું છેલ્લું ટ્રેડિંગ સત્ર હશે. જોકે બજારમાં નફા-બુકિંગની લહેર ફેલાઈ જતાં ભાવ પલટાઈ ગયો અને ₹232,663 પર આવી ગયો એટલે કે ટૂંકા સમયમાં ચાંદીના ભાવમાં આશરે ₹21,500નો ઘટાડો થયો. નિષ્ણાતોના મતે આ ઘટાડો અચાનક નથી, પરંતુ તીવ્ર વધારા પછીની સામાન્ય પ્રતિક્રિયા છે. ઘણા વેપારીઓએ નફો મેળવવા માટે ચાંદી વેચવાનું શરૂ કર્યું, જેનાથી બજારમાં ઘટાડાનો વેગ આવ્યો.

ચાંદીના વિસ્ફોટક વધારા પાછળના કારણો

આંતરરાષ્ટ્રીય બજારમાં શરૂઆતમાં ચાંદી પર દબાણ આવ્યું. શરૂઆતમાં વૈશ્વિક ચાંદીના ભાવ પ્રતિ ઔંસ $80 સુધી પહોંચ્યા હતા, પરંતુ પછી ઘટીને $75 થયા જેના કારણે સ્થાનિક ભાવ પર અસર પડી. આ પરિવર્તન યુક્રેન-રશિયા તણાવમાં થોડી રાહતના સમાચાર સાથે પણ આવ્યું જેના કારણે સુરક્ષિત રોકાણની માગ ઓછી થઇ છે. એ નોંધનીય છે કે છેલ્લા એક વર્ષમાં ચાંદીએ જબરદસ્ત વળતર આપ્યું છે.

નિષ્ણાતો કહે છે કે ઘણા પરિબળોને કારણે ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ઔદ્યોગિક માંગમાં વધારો, રોકાણકારોનો સલામત સંપત્તિમાં રસ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા ચાંદીની માંગને આગળ ધપાવી રહી છે. ખાસ કરીને ગ્રીન એનર્જી ટેકનોલોજી, ઇલેક્ટ્રિક વાહનો અને સોલાર પેનલ્સમાં ચાંદીની વધતી માંગ, ભાવમાં વધારામાં ફાળો આપે છે.


  • Follow us on: