તહેવારોની સિઝન છે. તૈયારીઓ પૂરજોશથી ચાલી રહી છે. ત્યારે વાત કરીએ શેરબજારની તો, અત્યારે શેરબજારમાં ઉથલ પાથલ જોવા મળી રહી છે. ત્યારે સવાલ એ થાય કે શું તહેવારોમાં શેરૂબજાર બંધ રહેશે. શું દિવાળીએ શેરબજાર બંધ રહેશે? તે વિશે જાણીએ.
દિવાળીએ બંધ રહેશે શેરબજાર?
દિવાળીએ શેરબજાર પણ બંધ રહેશે. જોકે મુહૂર્ત ટ્રેડિંગ યોજાશે. 21 અને 22 ઓક્ટોબરે શેરબજાર બંધ રહેશે. 21 ઓક્ટોબરે દિવાળી અને લક્ષ્મી પૂજા ઉજવવામાં આવશે, અને આ દિવસે મુહૂર્ત ટ્રેડિંગ પણ થશે. 22 ઓક્ટોબરે બલિપ્રતિપદા માટે રજા જાહેર કરવામાં આવી છે. 21 ઓક્ટોબરે બંને મુખ્ય એક્સચેન્જો, BSE અને NSE પર મુહૂર્ત ટ્રેડિંગ યોજાશે.
મુહૂર્ત ટ્રેડિંગનો સમય?
21 ઓક્ટોબરે બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી BSE અને NSE બંને એક્સચેન્જો પર મુહૂર્ત ટ્રેડિંગ સત્ર યોજાશે. વધુમાં પ્રિ-ઓપન સત્ર બપોરે 1:30 થી 1:45 વાગ્યા સુધીનું છે. મુહૂર્ત ટ્રેડિંગ અંગે રોકાણકારોમાં ઘણો ઉત્સાહ છે. રોકાણકારો આ પ્રસંગને શુભ માને છે અને તેમના પોર્ટફોલિયોમાં સફળતા અને વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે મુહૂર્ત ટ્રેડિંગમાં જોડાય છે. તાજેતરના વર્ષોમાં મુહૂર્ત ટ્રેડિંગ પછી શેરબજાર લીલા નિશાન સાથે બંધ થયું છે.
મુહૂર્ત ટ્રેડિંગ શું હોય છે?
મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા વર્ષોથી પ્રચલિત છે. મુહૂર્ત ટ્રેડિંગના દિવસોમાં બજાર આખો દિવસ ખુલ્લું રહેતું નથી. બજાર એક કલાકના ટ્રેડિંગ સત્ર માટે ખુલ્લું રહે છે. આ સત્ર પરંપરાગત રીતે રોકાણકારો માટે શુભ માનવામાં આવે છે. રોકાણકારો સામાન્ય રીતે મુહૂર્ત ટ્રેડિંગના દિવસોમાં શેર ખરીદે છે અને વેચે છે. એવું માનવામાં આવે છે કે સંપત્તિ અને સમૃદ્ધિની દેવી માતા લક્ષ્મી આ દિવસે રોકાણકારોને આશીર્વાદ આપે છે. જેનાથી આખા વર્ષ દરમિયાન તેમના રોકાણ પર વળતર મળે છે.
Disclaimer: (અહીં આપેલી માહિતી ફક્ત માહિતીના હેતુ માટે છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. સંદેશ ડિઝિટલ ક્યારેય અહીં રોકાણ કરવાની ભલામણ કરતું નથી.)