ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 100% ટેરિફની જાહેરાત બાદ અમેરિકા-ચીન વેપાર તણાવમાં વધારો થયો હતો. જેની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી હતી. છેલ્લા બે ટ્રેડિંગ દિવસોથી સેન્સેક્સ અને નિફ્ટી સતત ઘટી રહ્યા હતા, પરંતુ બુધવારે આ ઘટાડો અટક્યો હોય તેવું લાગ્યું. બજાર ખુલતાની સાથે જ, બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સમાં 300 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં પણ 100 પોઈન્ટથી વધુનો વધારો થયો. નોંધનીય છે કે, ડિમર્જર પછી લાર્જ-કેપ કેટેગરીમાં ટાટા મોટર્સના શેર સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહ્યા હતા.
તેજી સાથે ખૂલ્યુ શેરબજાર
બુધવાર, 15 ઓક્ટોબરે ભારતીય શેરબજારો લીલા રંગમાં ખુલ્યું છે. સવારે 9.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ 321 પોઇન્ટના વધારા સાથે 82,351 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 109.75 પોઇન્ટના વધારા સાથે 25,255.25 અંકે ખૂલ્યો.
વૈશ્વિક બજારોમાં કેવી છે સ્થિતિ?
બુધવારે એશિયા-પેસિફિકના બજારો ઊંચા સ્તરે ખુલ્યા. જાપાનનો નિક્કી 225 ઈન્ડેક્સ 0.3 %, ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 ઈન્ડેક્સ 0.93% અને દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.8% વધ્યો હતો. આ વધારો અમેરિકા અને ચીન વચ્ચેના નવા વેપાર તણાવ વચ્ચે થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે "કઠોર કાર્યવાહી" કરવાની ચેતવણી આપી હતી, રસોઈ તેલ પર પ્રતિબંધ વિશે પણ વાત કરી હતી.
દરમિયાન, ગઈકાલે યુએસ બજારો મિશ્ર બંધ થયા. S&P 500 0.16% ઘટ્યો અને નાસ્ડેક 0.76% ઘટ્યો, જ્યારે ડાઉ જોન્સ 0.44% વધારા સાથે બંધ થયો.
1323 શેરોએ મજબૂત શરૂઆત કરી
ભારતીય બજારે આજે મજબૂત શરૂઆત કરી. ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ, બજારમાં હાજર લગભગ1323 કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં ખુલ્યા, જેમાં તેમના પાછલા બંધ કરતા તીવ્ર વધારો થયો, જ્યારે 883 કંપનીઓના શેર ઘટાડા સાથે રેડ ઝોનમાં ટ્રેડ થવા લાગ્યા. આ દરમિયાન 148 કંપનીઓના શેર ફ્લેટ શરૂઆત થયા. જિયો ફાઇનાન્શિયલ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, શ્રીરામ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ અને ટાટા મોટર્સ સૌથી ઝડપથી ઉછળતા શેરોમાં સામેલ હતા. જ્યારે ટેક મહિન્દ્રા, ટાઇટન કંપની, એક્સિસ બેંક, સિપ્લામાં ઘટાડો જોવા મળ્યો.