શેરબજારના રોકાણકારો માટે સોમવારનો દિવસ વિનાશક સાબિત થયો છે. બપોરે 1:00 વાગ્યા સુધીમાં, BSE સેન્સેક્સ તેના દિવસના ઉચ્ચતમ સ્તરથી 1,800 પોઈન્ટ્સ નીચે ગબડી ગયો હતો, જેના કારણે રોકાણકારોની ₹5 લાખ કરોડથી વધુની સંપત્તિ ધોવાઈ ગઈ છે.

પ્રથમ ટ્રેડિંગ દિવસ બન્યો બ્લેક મન્ડે 

બપોરે 1.23 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 1154 પોઇન્ટના ઘટાડા સાથે 82,764.74 અંકે જોવા મળ્યો જ્યારે નિફ્ટી 357.95 પોઇન્ટના ઘટાડા સાથે  25,442.65 અંકે જોવા મળ્ય.ો.  શેરબજારના રોકાણકારો માટે, સપ્તાહનો આ પ્રથમ ટ્રેડિંગ દિવસ 'બ્લેક મન્ડે' (કાળો સોમવાર) બની ગયો છે. મજબૂત શરૂઆત બાદ, બજારમાં અચાનક મોટો કડાકો આવ્યો; સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો થતાં બજારમાં ગભરાટ ફેલાઈ ગયો છે.

30-શેર ધરાવતો BSE સેન્સેક્સ, જે શરૂઆતી કારોબારમાં 700 પોઈન્ટ્સ ઉછળ્યો હતો, તે બપોરે 1:00 વાગ્યાની આસપાસ તેના દિવસના ઉચ્ચતમ સ્તરથી 1,800 પોઈન્ટ્સ નીચે પટકાયો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (NSE Nifty) પણ 500 પોઈન્ટ્સથી વધુ નીચે ગબડ્યો હતો. બજારમાં આવેલા આ ભારે ઉતાર-ચઢાવને કારણે રોકાણકારોની ₹5 લાખ કરોડથી વધુની સંપત્તિ એક જ ક્ષણમાં સાફ થઈ ગઈ.

માર્કેટમાં ખૌફ 

બજારની શરૂઆત પર નજર કરીએ તો, 30-શેર ધરાવતો BSE સેન્સેક્સ 84,421 પર ખુલ્યો હતો  જે તેના અગાઉના બંધ ભાવ 83,919 થી ઘણો ઊંચો હતો.  અને શરૂઆતની કેટલીક મિનિટોમાં જ વધીને 84,662 ના સ્તરે પહોંચી ગયો હતો. જોકે, ત્યારબાદ તેમાં ઘટાડો શરૂ થયો, જે ટ્રેડિંગ સત્ર આગળ વધવાની સાથે વધુ તીવ્ર બન્યો. 

નિફ્ટીમાં પણ મોટો કડાકો જોવા મળ્યો છે. 50-શેર ધરાવતો આ સૂચકાંક સોમવારે 25,929 પર ખુલ્યો હતો  જે તેના અગાઉના બંધ ભાવ 25,800 થી વધુ હતો  અને ઝડપથી વધીને 25,992 ના સ્તર સુધી પહોંચ્યો હતો. પરંતુ, સેન્સેક્સની જેમ જ તેમાં પણ ભારે ઘટાડો આવ્યો; આ અહેવાલ લખાય છે ત્યાં સુધીમાં તે 25,467 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જે તેના દિવસના ઉચ્ચતમ સ્તરથી 525 પોઈન્ટ્સ નીચે છે.

રોકાણકારોના લાખો ધોવાયા 

શેરબજારમાં આવેલા કડાકાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર સૂચિબદ્ધ કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન (BSE MCap) પર નજર નાખવાથી આનો અંદાજ લગાવી શકાય છે. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસ, એટલે કે શુક્રવારે, BSE MCap આશરે ₹515  લાખ કરોડ હતું; જે સોમવારે બપોરે ૧:૦૦ વાગ્યા સુધીમાં ઘટીને ₹510  લાખ કરોડ થઈ ગયું હતું. બીજા શબ્દોમાં કહીએ તો, બજારમાં આવેલા આ 'સુનામી' જેવા કડાકામાં રોકાણકારોની લગભગ ₹5 લાખ કરોડની સંપત્તિ ધોવાઈ ગઈ છે.

પત્તાના મહેલની જેમ શેર ધડામ

બજારના આ કડાકામાં બેંકિંગ ક્ષેત્રના શેરોને સૌથી વધુ ફટકો પડ્યો છે. BSE લાર્જ-કેપ (LargeCap) શ્રેણીમાં, ટાટા સ્ટીલ (9% ઘટાડો), એક્સિસ બેંક (3.30 % ઘટાડો), ICICI બેંક (2.50 ૦% ઘટાડો), HDFC બેંક (2.40 % ઘટાડો), SBI (2.20 % ઘટાડો) અને કોટક બેંક (2.18 % ઘટાડો) ના શેરોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

આ ઉપરાંત, મિડ-કેપ (MidCap) સેગમેન્ટમાં, APL એપોલો (૨૦% ઘટાડો) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (3% ઘટાડો) ના શેરો નીચા ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા. તે જ સમયે, સ્મોલ-કેપ (SmallCap) શ્રેણીમાં, STL ટેક (5% ઘટાડો) અને HFCL (4.99 % ઘટાડો) ના શેરોમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો.

આ પણ વાંચો: Coriander Chutney: કોથમીરની ચટણી કેટલા દિવસ સારી રહે છે ? જાણો સિક્રેટ રેસિપી