મહારાષ્ટ્રના નાસિકમાં આવેલી દેશની પ્રતિષ્ઠિત આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) ની BPO યુનિટમાં યૌન શોષણ અને ઉત્પીડનના ગંભીર આરોપો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ઓછામાં ઓછી 8 મહિલા કર્મચારીઓએ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા શારીરિક શોષણ, માનસિક પ્રતાડના અને ધાર્મિક દબાણની ફરિયાદ કરી છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કંપનીએ આગામી આદેશ સુધી ઓફિસ બંધ કરી તમામ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપ્યું છે.

સંગઠિત રીતે થતું હતું શોષણ

નાસિક પોલીસ કમિશનર સંદીપ કર્ણિકના જણાવ્યા અનુસાર, તપાસમાં બહાર આવ્યું છે કે, 7 પુરૂષ આરોપીઓ એક જૂથ બનાવીને મહિલા કર્મચારીઓને નિશાન બનાવતા હતા. પોલીસ આ કેસમાં અત્યાર સુધીમાં 9 FIR નોંધી ચૂકી છે. આરોપીઓ ટીમ લીડર જેવા હોદ્દાઓ પર હોવાથી તેઓ પોતાના પદનો દુરૂપયોગ કરતા હોવાનું પણ સામે આવ્યું છે.

HR હેડની સંડોવણી અને ધરપકડ

પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરી છે, જેમાં 7 પુરૂષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે. પકડાયેલી મહિલા આરોપી કંપનીની HR હેડ હોવાનું કહેવાય છે, જે પીડિતોને ફરિયાદ કરતા રોકતી હતી અને આરોપીઓને સાથ આપતી હતી. હજુ એક મહિલા આરોપી ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે.

ધાર્મિક દબાણના ચોંકાવનારા આરોપ

માત્ર યૌન શોષણ જ નહીં, પણ પીડિતોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, કર્મચારીઓ પર ખાસ પ્રકારનું ખાણું ખાવા અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાવા માટે દબાણ કરવામાં આવતું હતું. એક પુરૂષ કર્મચારીએ પણ ધાર્મિક ઉત્પીડન અને બળજબરીથી ધર્મ પરિવર્તનના પ્રયાસના ગંભીર આક્ષેપો કર્યા છે.

રાષ્ટ્રીય મહિલા આયોગે લીધી નોંધ

નેશનલ કમિશન ફોર વુમન (NCW) એ આ મામલાની આપોઆપ (Suo Motu) નોંધ લીધી છે, અને તપાસ માટે એક સમિતિની રચના કરી છે. આ ટીમ 18 એપ્રિલ ના રોજ ઘટના સ્થળની મુલાકાત લેશે અને 10 કાર્યદિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે.


આ પણ વાંચો - Tejas Networks Q4 Results : ટાટા ગ્રુપની કંપનીને થયું મોટું નુકસાન, શેરમાં જોવા મળશે અસર