છેલ્લા દાયકામાં ભારતે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. સ્થાનિક પ્રોસેસર આર્કિટેક્ચરમાં સુધારો કરવા, ડિઝાઈન પ્રતિભા વિકસાવવા અને સંશોધન માળખાને મજબૂત બનાવવાના પ્રયાસોએ દેશને વૈશ્વિક ચિપ ડિઝાઈન લેન્ડસ્કેપમાં અગ્રણી સ્થાન તરફ ધકેલી દીધો છે. આ પ્રયાસોનું પરિણામ ભારતનું 7 નેનોમીટર (nm) પ્રોસેસર ડિઝાઈન છે, જે માત્ર એક મોટી તકનીકી છલાંગ જ નહીં પરંતુ આત્મનિર્ભર ભારત તરફ એક નક્કર પગલું પણ છે.

સેમિકન્ડક્ટર ડિઝાઈનનું વધતું મહત્વ

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે 18 ઓક્ટોબર, 2025ના રોજ આ સિદ્ધિની જાહેરાત કરી હતી. આ પહેલને ભારતની સેમિકન્ડક્ટર યાત્રામાં એક ઐતિહાસિક ક્ષણ માનવામાં આવે છે. આ સાથે ભારત હવે એડવાન્સ્ડ નોડ સેમિકન્ડક્ટર ડિઝાઈનમાં સક્રિય દેશોના પસંદગીના જૂથમાં જોડાય છે.

આજના ડિજિટલ વિશ્વમાં સેમિકન્ડક્ટર દરેક ટેકનોલોજીનો આધાર બની ગયા છે. આ માઈક્રોચિપ્સ દરેક ઈલેક્ટ્રોનિક ઉપકરણનો પાયો છે, પછી ભલે તે સ્માર્ટફોન હોય, લેપટોપ હોય, ઓટોમોબાઈલ્સ હોય, તબીબી ઉપકરણો હોય કે કૃત્રિમ બુદ્ધિ (AI) ટેકનોલોજી હોય. આધુનિક પ્રોસેસર્સ પ્રતિ સેકન્ડ અબજો ડેટા સૂચનાઓ પર પ્રક્રિયા કરી શકે છે, જે રીઅલ-ટાઈમ પ્રોસેસિંગ, સુધારેલ પ્રદર્શન અને ઊર્જા બચતને સક્ષમ બનાવે છે. 7-નેનોમીટર ચિપ્સનો અર્થ અત્યંત લઘુચિત્રીકરણ અને કાર્યક્ષમતા છે. આવા પ્રોસેસર્સ ઓછી શક્તિનો ઉપયોગ કરીને વધુ ઝડપે કાર્ય કરી શકે છે, જે ભવિષ્યના સ્માર્ટ ઉપકરણોને વધુ શક્તિશાળી અને ટકાઉ બનાવે છે.

ભારતનું વૈશ્વિક સ્થાન

ભારત સરકારે આ દિશામાં વ્યાપક યોજનાઓ વિકસાવી છે. ₹76,000 કરોડના ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ 6 રાજ્યોમાં ₹1.6 લાખ કરોડથી વધુના રોકાણ સાથે 10 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY)ની ડિઝાઈન લિંક્ડ ઈન્સેન્ટિવ (DLI) યોજનાએ ડિઝાઈન પ્રતિભા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે 288થી વધુ શૈક્ષણિક સંસ્થાઓને ટેકો આપ્યો છે. ભારતની સ્વદેશી 7nm પ્રોસેસર ડિઝાઈન અમેરિકા, તાઈવાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોની ટેકનોલોજીકલ લીગમાં પ્રવેશ કરે છે. તે દેશની ક્ષમતાઓને એવા સ્તરે ઉન્નત કરે છે જ્યાં તે વૈશ્વિક સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં વિશ્વસનીય ભાગીદાર બની શકે છે.

આગળ વધવાનો રસ્તો

ભારતની આ સિદ્ધિ માત્ર એક ટેકનોલોજીકલ પ્રગતિ નથી, પરંતુ એન્ડ-ટુ-એન્ડ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવા તરફ એક મોટું પગલું છે. આનાથી માત્ર સ્થાનિક ઉદ્યોગો જ મજબૂત થશે નહીં પરંતુ વિદેશી રોકાણ પણ આકર્ષિત થશે. ભવિષ્યમાં, આ પહેલ ભારતને સેમિકન્ડક્ટર ડિઝાઇન અને સંશોધન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરી શકે છે, જ્યાં નવીનતા, આત્મનિર્ભરતા અને વિશ્વસનીયતા એક સાથે આવશે.