વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ આગામી 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. આ 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી બજેટ સત્ર યોજાશે. દર વર્ષની જેમાં આ વર્ષે પણ સામાન્ય માણસને કેન્દ્રીય બજેટમાં ઘણી રાહત મળે તેવી આશા છે. જેમાં ટેક્સપેયર્સ દ્વારા સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ સ્ટાન્ડર્ડ ડિડક્શન વર્ષ 2025ના બજેટમાં 75000 રૂપિયા કરવામાં આવ્યું હતું. જે આ વર્ષે 1 લાખ રૂપિયા કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમણ આગામી બજેટ 2026 રજૂ કરવા માટે તૈયાર છે. બજેટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને આ વખતે બજેટ અનેક રીતે ખાસ રહેવાનું છે. પ્રથમ વખત એવું બનશે કે, બજેટ રવિવારના દિવસે રજૂ થશે અને શેરબજાર પણ તે દિવસે કાર્યરત રહેશે. ગત વર્ષે બજેટ 2025માં મધ્યમ વર્ગને મોટી રાહત આપ્યા બાદ હવે 2026ના બજેટ પાસે પણ ટેક્સપેયર્સની અપેક્ષાઓ વધી ગઈ છે.

સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં ફેરફારની પ્રબળ શક્યતા

આ વખતે ટેક્સપેયર્સની સૌથી મોટી માંગ 'સ્ટાન્ડર્ડ ડિડક્શન' (Standard Deduction) ની મર્યાદા વધારવાની છે. હાલમાં નવી ટેક્સ વ્યવસ્થામાં આ મર્યાદા રૂપિયા 75,000 છે, જેને વધારીને રૂપિયા 1,00,000 કરવાની માગ ઉઠી રહી છે. જો સરકાર આ માગ સ્વીકારે છે, તો રૂપિયા 13 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

ગત વર્ષે (2025) મળેલી મુખ્ય 5 રાહતો:

  • ઇન્કમ ટેક્સ દરમાં ઘટાડો: રૂપિયા 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરવામાં આવી હતી. સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે આ મર્યાદા રૂપિયા 12.75 લાખ સુધી પહોંચી હતી.
  • નવા ટેક્સ સ્લેબ: નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ રૂપિયા 4 લાખ સુધી કોઈ ટેક્સ નહીં અને ત્યારબાદ તબક્કાવાર સ્લેબ નક્કી કરાયા હતા.
  • નવો ઇન્કમ ટેક્સ એક્ટ: 'ઇન્કમ ટેક્સ એક્ટ 2025' ની જાહેરાત જે 1 એપ્રિલથી અમલી બનશે.
  • TDS દરમાં ઘટાડો: ભાડા પરની ટીડીએસ મર્યાદા રૂપિયા 2.4 લાખથી વધારીને રૂપિયા 6 લાખ કરવામાં આવી હતી.
  • ITR (U) માં રાહ: અપડેટેડ રિટર્ન ફાઈલ કરવાની મર્યાદા 2 વર્ષથી વધારીને 4 વર્ષ કરવામાં આવી હતી.

એક્સપર્ટ્સનું શું કહેવું છે?

નિષ્ણાંતોના મતે, ગત વર્ષે મોટા ફેરફારો થયા હોવાથી ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની શક્યતા ઓછી છે, પરંતુ મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરી શકે છે. આનાથી મધ્યમ વર્ગના ખિસ્સામાં વધુ રોકડ બચશે અને વપરાશમાં વધારો થશે.

શું છે સ્ટાન્ડર્ડ ડિડક્શન?

સ્ટાન્ડર્ડ ડિડક્શન એ પગારદાર કર્મચારીઓ અને પેન્શનરોને મળતો એક એવો ટેક્સ બેનિફિટ છે, જેમાં કોઈ પણ જાતના રોકાણના પુરાવા વગર તમારી કુલ વાર્ષિક આવકમાંથી એક નિશ્ચિત રકમ સીધી બાદ કરી દેવામાં આવે છે. તેનાથી તમારી કરપાત્ર આવક ઘટે છે અને પરિણામે તમારે ઓછો ટેક્સ ભરવો પડે છે.

  • ટેક્સમાં મોટી રાહત: તે તમારી કુલ સેલરી કે પેન્શનમાંથી સીધી કાપી લેવામાં આવે છે, જેના પર તમારે એક પણ રૂપિયો ટેક્સ ચૂકવવો પડતો નથી.
  • નવી અને જૂની વ્યવસ્થા: બજેટ 2025 મુજબ, જો તમે નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરો છો તો રૂપિયા 75,000 બાદ મળે છે, જ્યારે જૂની ટેક્સ વ્યવસ્થામાં રૂપિયા 50,000 ની કપાત મળે છે.

કોને મળશે લાભ?

આનો લાભ દરેક પગારદાર વ્યક્તિ અને પેન્શનરને મળે છે, પછી ભલે તેમનો પગાર ગમે તેટલો હોય.એક સરળ ઉદાહરણથી સમજો: ધારો કે તમારી વાર્ષિક આવક રૂપિયા 12,75,000 છે: તમે નવી ટેક્સ વ્યવસ્થા પસંદ કરો છો. તમને રૂપિયા 75,000 નું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે. હવે તમારી કરપાત્ર આવક થશે: રૂપિયા 12,75,000 - 75,000 = 12,00,000. તમારે માત્ર રૂપિયા 12 લાખ પર જ ટેક્સની ગણતરી કરવાની રહેશે.


આ પણ વાંચો - Budget 2026 : પ્રથમવાર રવિવારે રજૂ થશે દેશનું બજેટ, CCPAની બેઠકમાં તારીખો પર લાગી મહોર