હોંગકોંગ જેવા મોંઘા શહેરમાં રહેવા છતાં ભારતીય દંપતી વધુ બચત કરી રહ્યું છે. વધુ આવક, ઓછો ટેક્સ, નિયંત્રિત ખર્ચ અને રોકાણ દ્વારા બંને 45 વર્ષની ઉંમર સુધી આર્થિક સ્વતંત્રતા મેળવવાનું લક્ષ્ય રાખી રહ્યા છે.

હોંગકોંગની ગણતરી દુનિયાના સૌથી મોંઘા શહેરોમાં થાય છે. અહીંનું ભાડું, બહારનું ખાવાનું અને રોજિંદી ઘણી સેવાઓ ભારતની સરખામણીએ ઘણી મોંઘી છે. તેમ છતાં ભારતીય દંપતી આરુષિ શર્મા અને તેમના પતિ સાઈ સી. અરાવેટીનું કહેવું છે કે હોંગકોંગમાં રહેવા આવ્યા બાદ તેમની બચતના દરમાં ખાસ ઘટાડો થયો નથી.

આરુષિ શર્મા 26 વર્ષની છે અને ફેબ્રુઆરીમાં હોંગકોંગ પહોંચી હતી, જ્યાં તેમના પતિ પહેલેથી જ રહેતા હતા. બંનેનો બેકગ્રાઉન્ડ વેન્ચર કેપિટલ સાથે જોડાયેલો રહ્યો છે. આરુષિએ હવે પોતાનો જ્વેલરી બિઝનેસ પણ શરૂ કર્યો છે.

મોંઘું ભાડું, પરંતુ આવક પણ વધારે

હોંગકોંગમાં લગભગ 300 વર્ગ ફૂટના નાના એપાર્ટમેન્ટનું ભાડું ભારતીય રૂપિયામાં આશરે 1.8 લાખથી 3 લાખ રૂપિયા પ્રતિ મહિના સુધી હોઈ શકે છે. જ્યારે જિમ અને યોગ જેવી સુવિધાઓ માટે એક વખતમાં આશરે 1,400 રૂપિયા કે તેનાથી વધુ ખર્ચ થઈ શકે છે.

ઘરના ભાડામાં આવકના 20% ખર્ચ

આ દંપતી લગભગ 550 વર્ગફૂટના એપાર્ટમેન્ટમાં રહે છે. તેમના જણાવ્યા અનુસાર, ઘરના ભાડામાં તેમની કુલ ઘરેલુ આવકના આશરે 20% ખર્ચ થાય છે. ભારતમાં આટલા બજેટમાં ઘણું મોટું ઘર મળી શકે છે, પરંતુ હોંગકોંગના હિસાબે આ ખર્ચ તેમના માટે સંતુલિત છે.

રોજ આવવા-જવા માટે બંને ત્યાંના જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે. એક મુસાફરીમાં આશરે 80થી 250 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. આ ઉપરાંત અન્ય મુસાફરોને જાહેર પરિવહનના ખર્ચ પર સરકારી સબસિડી પણ મળે છે.

ટેક્સે આખું ગણિત બદલી નાખ્યું

હોંગકોંગમાં ઓછો ટેક્સ આ દંપતી માટે મોટો ફાયદો સાબિત થાય છે. અહીં વ્યક્તિગત આવક પર પ્રોગ્રેસિવ ટેક્સ સિસ્ટમમાં દર 2%થી 17% સુધી છે, જ્યારે સ્ટાન્ડર્ડ રેટ સિસ્ટમ હેઠળ 15%નો દર લાગુ પડે છે. ટેક્સ વિભાગ બંને રીતે ગણતરી કરીને જે રકમ ઓછી આવે તે મુજબ ટેક્સ વસૂલ કરે છે.

ઉદાહરણ તરીકે, વાર્ષિક 50 લાખ રૂપિયાની આવક હોય તેવી સ્થિતિમાં દંપતીનો હોંગકોંગમાં ટેક્સ આશરે 3.57 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે, જ્યારે આટલી જ આવક પર ભારતમાં આશરે 11 લાખ રૂપિયા ટેક્સ બનતો હોવાનું સામાન્ય રીતે જોવા મળે છે. આ તફાવતને કારણે દર વર્ષે આશરે 7.5 લાખ રૂપિયાની બચત થવાનો અંદાજ છે.

રોકાણ પર પણ ધ્યાન

દંપતી ભારતીય બજારમાં મ્યુચ્યુઅલ ફંડ અને ETF દ્વારા રોકાણ ચાલુ રાખે છે. તેમના રોકાણના પોર્ટફોલિયોમાં આશરે 40-50% હિસ્સો અમેરિકા અને ચીનના બજારો સાથે જોડાયેલા ETFમાં છે. બંને 45 વર્ષની ઉંમર સુધી આર્થિક સ્વતંત્રતા મેળવવાનું લક્ષ્ય રાખે છે.