જાહેર ક્ષેત્રની કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ એક અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. હવે રસોઈમાં વપરાયેલા તેલમાંથી વિમાનનું ટકાઉ ઈંધણ (SAF) તૈયાર થશે. કંપનીના ચેરમેન અરવિંદર સિંહ સાહનીએ જણાવ્યું કે, હરિયાણાના પાણીપત સ્થિત IOC ની રિફાઈનરીએ આ માટે આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેશન (ISCC Corsia) મેળવ્યું છે. IOC આ સર્ટિફિકેટ મેળવનારી ભારતની પ્રથમ કંપની બની છે. આ એક મોટી સિદ્ધિ છે કારણ કે, આ પ્રકારનું ઈંધણ પર્યાવરણને અનુકૂળ છે અને હવાઈ મુસાફરીથી થતા પ્રદૂષણને ઘટાડવામાં મદદ કરશે.

ભારતના ગ્રીન એનર્જી મિશનને બૂસ્ટ

આ પહેલ ભારતના "ગ્રીન એનર્જી" લક્ષ્યોને વેગ આપશે. ચાલુ વર્ષના અંત સુધીમાં, પાણીપત રિફાઈનરી વાર્ષિક લગભગ 35,000 ટન SAF નું ઉત્પાદન શરૂ કરી દેશે. આ ઉત્પાદન 2027 સુધીમાં ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે 1% SAF મિશ્રણ ફરજિયાત કરવાની જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતું હશે. આ પ્રક્રિયામાં, મોટા હોટલ, રેસ્ટોરાં અને ખાદ્ય ઉદ્યોગો પાસેથી વપરાયેલું રાંધણ તેલ એકત્ર કરવામાં આવશે અને તેનો ઉપયોગ SAF બનાવવા માટે કરવામાં આવશે. આનાથી ન માત્ર ઇંધણની આયાત ઘટશે, પરંતુ સ્થાનિક સ્તરે કચરાનો સદુપયોગ પણ થશે.

ઈન્ડિયન ઓઈલનો કમાલ

ઈન્ડિયન ઓઈલ માત્ર SAF સુધી સીમિત નથી. કંપની ગ્રીન એનર્જી અને નવીનતાના ક્ષેત્રમાં પણ અગ્રેસર છે. ગુજરાતની કોયલી રિફાઈનરીમાં ₹5,000 કરોડના ખર્ચે બ્યુટાઈલ એક્રિલેટ (BA) પ્લાન્ટ સ્થાપિત કરાયો છે, જેનો ઉપયોગ પેઈન્ટ બનાવવા માટે થાય છે. આ પ્લાન્ટ દેશની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. આ ઉપરાંત, કંપની પાણીપત રિફાઈનરીમાં દેશનો સૌથી મોટો ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ પણ સ્થાપી રહી છે. આ તમામ પ્રયાસો દર્શાવે છે કે, ઈન્ડિયન ઓઈલ ભવિષ્યની સ્વચ્છ ઉર્જા અને આત્મનિર્ભર ભારત માટે સતત કાર્યરત છે.