ભારત અને ચીન વચ્ચેના વેપાર સંબંધોમાં હાલમાં એક મોટો અને ગંભીર મુદ્દો સામે આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં જ સ્પષ્ટ કર્યું છે કે ભારત અને ચીન વચ્ચેના વેપારમાં 'નોન-ટેરિફ બેરિયર્સ' એ સૌથી મોટો અને ખતરનાક શત્રુ છે. વર્ષોની દ્વિપક્ષીય વાતચીતો છતાં ચીનના માર્કેટમાં ઘૂસવું લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઈ રહ્યું છે, જેના કારણે ભારતની વેપાર ખાધ સતત ચિંતાનો વિષય બનતી જઈ રહી છે.
શું હોય છે આ નોન-ટેરિફ બેરિયર્સ (NTB)?
સરળ શબ્દોમાં સમજીએ તો, નોન-ટેરિફ બેરિયર્સ એટલે કે ટેરિફ (જકાત) સિવાયના એવા નીતિગત નિયમો અને નિયંત્રણો જે આંતરરાષ્ટ્રીય વેપારને પ્રભાવિત કરે છે. તેમાં ફરજિયાત પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ્સ, સર્ટિફિકેશન, સેનિટરી અને ફાયટોસેનિટરી આવશ્યકતાઓ, લેબલિંગ તથા પેકેજિંગના નિયમો, કસ્ટમ્સ પ્રોસિજર્સ અને એક્સપોર્ટ રેસ્ટ્રિક્શન્સનો સમાવેશ થાય છે. આ નિયમોનો હેતુ ભલે સુરક્ષા કે સ્વાસ્થ્ય સુરક્ષાનો દેખાડો કરવાનો હોય, પરંતુ વાસ્તવિકતામાં તે વિદેશી નિકાસકારો માટે ખર્ચ વધારવા અને બજારમાં પ્રવેશ અટકાવવાનું મોટું હથિયાર સાબિત થાય છે.
ભારતીય ઇન્ડસ્ટ્રી પર ગંભીર અસરો
ચીન પાસે ક્રિટિકલ મિનરલ્સ (જેવા કે જર્મેનિયમ, ગેલિયમ અને લિથિયમ-બેટરી મટીરિયલ્સ) પર એકછત્ર રાજ અને રિફાઇનિંગ ક્ષમતા છે. ચીન દ્વારા તેના એક્સપોર્ટ પર મૂકવામાં આવેલા કડક નિયંત્રણો અને લાયસન્સ આવશ્યકતાઓને કારણે ભારતની ઇલેક્ટ્રિક વાહનો (EV), રિન્યુઅલ એનર્જી અને સેમિકન્ડક્ટર જેવી ઉભરતી ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ માટે સપ્લાય ચેઈન જોખમમાં મુકાઈ ગઈ છે. આ ઉપરાંત કોસ્મેટિક્સ સેક્ટરમાં વિદેશી લેબના ટેસ્ટ રિપોર્ટ સ્વીકારવામાં ન આવતા ભારતીય નિકાસકારોને બેવડા ખર્ચનો સામનો કરવો પડે છે.
આ સમસ્યામાંથી બહાર નીકળવા ભારતની રણનીતિ
આ ગંભીર વેપાર અસંતુલનને પહોંચી વળવા માટે ભારત સરકારે હવે મલ્ટી-પ્રૉન્ગ્ડ સ્ટ્રેટેજી (Multi-pronged Strategy) અપનાવી છે. 'રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન' (KABIL) અંતર્ગત આંતરરાષ્ટ્રીય ભાગીદારી મજબૂત કરવી, ઘરેલું સ્તરે રિસર્ચ અને પ્રોડક્શન વધારવું તથા વૈશ્વિક ભાગીદારો સાથે મળીને સપ્લાય ચેઈનને સુરક્ષિત કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ચીન સામે સચોટ પુરાવાઓ સાથે મજબૂત વાટાઘાટો કરીને ભારતીય ઉદ્યોગો માટે વેપારના દરવાજા ખોલવાની દિશામાં કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: Auto News: ગાડી ખરીદ્યા બાદ ખિસ્સા પર નહીં પડે ભાર; જાણીલો રૂ.10 લાખના બજેટમાં આવતી આ 5 લો-મેન્ટેનન્સ કાર!