આ દુનિયામાં જ્યાં લોકો નામ અને પ્રસિદ્ધિના પાછળ દોડે છે, ત્યાં ભારતમાં એક એવો પણ અબજોપતિ પણ છે, જે પોતાની કમાણીનો મોટો ભાગ દરરોજ કોઈ જાહેરખબર કર્યા વગર દાન કરી દે છે. દેશમાં જ્યારે પણ કોઈ મોટા દાનવીરના નામની વાત આવે છે, ત્યારે સૌપ્રથમ નામ આવે છે એચસીએલ (HCL)ના સ્થાપક શિવ નાદરનું. તેઓ એવા વ્યક્તિ છે, જેઓની સફળતાની કહાની જેટલી પ્રેરણાદાયી છે, એટલી જ હ્રદયસ્પર્શી તેમની વિનમ્રતા અને સમાજસેવાની ભાવના પણ છે. અબજો રૂપિયાની સંપત્તિના માલિક હોવા છતાં, શિવ નાદર પોતાની સંપત્તિ બતાવવા કરતાં તેને સમાજના કલ્યાણમાં વાપરવામાં વિશ્વાસ રાખે છે. દરરોજ 7 કરોડ રૂપિયાથી વધુ દાન કરનારા શિવ નાદરને દેશના સૌથી મોટાં પરોપકારી કહી શકાય.
વર્ષ 2025ના સૌથી મોટાં દાનવીર બન્યા શિવ નાદર
હુરુન પરોપકાર સૂચિ 2025 મુજબ, 80 વર્ષના શિવ નાદરે વર્ષ 2025માં કુલ 2,708 કરોડ રૂપિયા દાન આપીને દેશના સૌથી મોટા દાનવીરનો ખિતાબ મેળવ્યો છે. સતત પાંચ વર્ષોમાંથી ચાર વખત તેઓ આ સૂચિમાં પ્રથમ સ્થાન પર રહ્યા છે. બીજા નંબરે મુકેશ અંબાણી ફેમિલી રહી, જેઓએ 626 કરોડ રૂપિયા દાન આપ્યા, જ્યારે ત્રીજા સ્થાને બજાજ ફેમિલી રહી, જેઓએ 446 કરોડ રૂપિયા દાન આપ્યા.
ગેરેજથી શરૂ થઈ હતી એચસીએલ
શિવ નાદરની કહાની એ સાબિત કરે છે કે સાચી મહેનત અને ઇમાનદાર નીતિથી શરૂ કરેલી વસ્તુ કેવી રીતે ઇતિહાસ રચે છે. 1976માં શિવ નાદરે પોતાના પાંચ મિત્રો સાથે મળીને એક નાના ગેરેજમાંથી HCLની શરૂઆત કરી હતી. તે સમયે કંપની કેલ્ક્યુલેટર અને માઇક્રોપ્રોસેસર બનાવતી હતી. આજે એ જ કંપની 60 દેશોમાં વ્યવસાય કરે છે અને 2,23,000થી વધુ લોકોને રોજગાર આપે છે.
હવે દીકરી રોશની નાદર સંભાળી રહી છે જવાબદારી
2020માં શિવ નાદરે HCL ટેકનોલોજીઝના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું અને હવે તેમની દીકરી રોશની નાદર મલ્હોત્રા કંપનીની બાગડોર સંભાળી રહી છે. પરંતુ પિતાની જેમ જ તેઓ પણ સમાજસેવાને પોતાની પ્રથમ પ્રાથમિકતા માને છે.
શિક્ષણ અને સંસ્કૃતિ પર થાય છે ખર્ચ
અહેવાલ મુજબ, આ વર્ષે શિવ નાદરનું દાન ગયા વર્ષની તુલનામાં 26% વધુ છે. તેમણે પોતાના શિવ નાદર ફાઉન્ડેશન મારફતે જે રકમ દાન કરી છે, તે શિક્ષણ, કલા અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં ખર્ચવામાં આવી છે.
