ઇન્ડોનેશિયાના શેરબજારમાં અત્યારે ભારે હોબાળો મચી ગયો છે. બજારમાં એક જ દિવસમાં એવો મોટો કડાકો આવ્યો કે છેલ્લા 28 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો. શુક્રવારે જકાર્તા કમ્પોઝિટ ઇન્ડેક્સ 11.57% સુધી ગગડી ગયો છે. આ જાન્યુઆરી 1998 પછી બજારનો એક જ દિવસનો સૌથી મોટો ઘટાડો ગણાય છે. આ મોટા વેચવાલીના દબાણથી રોકાણકારોને ભારે નુકસાન થયું અને બજારમાં ટ્રેડિંગ પણ થોડા સમય માટે અટકાવવું પડ્યું.
MSCI ની ચેતવણી બની કડાકાનું મુખ્ય કારણ
આ કડાકા પાછળ ગ્લોબલ ઇન્ડેક્સ પ્રોવાઇડર MSCI ની ચેતવણીને મોટું કારણ માનવામાં આવે છે. MSCI એ ઇન્ડોનેશિયાના બજારને અત્યારની ઇમર્જિંગ માર્કેટ કેટેગરીમાંથી હટાવીને સ્ટેન્ડઅલોન માર્કેટનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો આવું થશે, તો વિદેશી રોકાણકારો તરફથી મોટા પાયે વેચવાલી આવી શકે છે.
28 વર્ષ પછી બજારમાં આટલો મોટો કડાકો
શુક્રવારે ઇન્ડોનેશિયાનું બજાર લગભગ 8% ના કડાકા સાથે ખૂલ્યું હતું, જે પછી વેચવાલી એટલી ઝડપી બની કે ટ્રેડિંગ 30 મિનિટ માટે રોકવું પડ્યું. દેશના મોટા બેન્કિંગ સેક્ટરના શેરો પર સૌથી વધુ દબાણ જોવા મળ્યું. બેન્ક સેન્ટ્રલ એશિયા, બેન્ક રાક્યત ઇન્ડોનેશિયા અને બેન્ક મંદિરીના શેર લગભગ 15% સુધી તૂટી ગયા. આ ઉપરાંત ઇન્ડોનેશિયાનું ચલણ પણ અમેરિકન ડોલર સામે નબળું પડ્યું અને 18,070 ના સ્તરે પહોંચી ગયું. આ વર્ષે અત્યાર સુધીમાં ઇન્ડોનેશિયાના શેરબજારમાં લગભગ 40% નો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે.
MSCI ની ચેતવણીથી કેમ વધી ચિંતા?
MSCI એ ઇન્ડોનેશિયાના બજારમાં પારદર્શિતા, કંપનીઓના શેરોની માલિકી અને ટ્રેડિંગ સાથે જોડાયેલી વ્યવસ્થાઓ પર સવાલો ઉઠાવ્યા છે. સાદી ભાષામાં કહીએ તો કંપનીને ચિંતા છે કે બજારમાં શેરના માલિક કોણ છે અને તેમની લે-વેચ કેવી રીતે થઈ રહી છે, તેની માહિતી કેટલી ચોખ્ખી અને ભરોસાપાત્ર છે. આવા સંજોગોમાં જો MSCI ઇન્ડોનેશિયાના બજારનો દરજ્જો ઘટાડે છે, તો ત્યાં રોકાણ કરનારા ઘણા વિદેશી ફંડ્સ પોતાના પૈસા પાછા ખેંચી શકે છે. તેનાથી બજાર પર વધુ દબાણ વધી શકે છે.
આ પણ વાંચો-Navratri 2026 : મોંઘાદાટ પાસ વેંચી ખેલૈયાઓનું કરી નાખ્યું! ફેમસ પાર્ટી પ્લોટ્સમાં ભારે હોબાળો