ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારતીય બજાર પર દેખાવવાની શરૂ થઈ ગઈ છે. વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ વધતા દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ મોટો નિર્ણય લીધો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) દ્વારા ઇન્ડસ્ટ્રિયલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂ. 22નો ભારેખમ વધારો ઝીંકવામાં આવ્યો છે, જે ઉદ્યોગો માટે માઠા સમાચાર છે.

રૂ. 87નું ડીઝલ હવે રૂ. 109ને પાર

નવા ભાવ વધારા બાદ, જે ઇન્ડસ્ટ્રિયલ ડીઝલ અત્યાર સુધી રૂ. 87.67 પ્રતિ લીટર મળતું હતું, તેનો ભાવ હવે વધીને રૂ. 109.59 થઈ ગયો છે. શુક્રવાર, 20 માર્ચ 2026થી આ નવા ભાવ સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવ્યા છે. જોકે, અલગ-અલગ શહેરોમાં સ્થાનિક ટેક્સના કારણે ભાવમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ એ ડીઝલ નથી, જે સામાન્ય પેટ્રોલ પંપ પર ગાડીઓમાં ભરાવવામાં આવે છે, પરંતુ આ ‘બલ્ક ડીઝલ’ છે, જે સીધું ફેક્ટરીઓ અને મોટા પ્લાન્ટ્સને સપ્લાય કરવામાં આવે છે.

સામાન્ય જનતા પર શું થશે અસર?

ભલે આ ડીઝલ તમારી ખાનગી કારમાં વપરાતું ન હોય, પરંતુ તેની અસર તમારા ખિસ્સા પર ચોક્કસ પડશે.

  • ઉત્પાદન ખર્ચમાં વધારો: મોટા કારખાનાઓ, પાવર પ્લાન્ટ્સ અને ટ્રાન્સપોર્ટેશનમાં આ ડીઝલનો ઉપયોગ થાય છે. બળતણ મોંઘું થતા વસ્તુ બનાવવાનો ખર્ચ વધશે.
  • ચીજવસ્તુઓના ભાવ વધશે: જ્યારે ફેક્ટરીઓનો ખર્ચ વધે છે, ત્યારે કંપનીઓ તેનો બોજ ગ્રાહકો પર નાખે છે. પરિણામે રોજબરોજની ખાવા-પીવાની ચીજો અને અન્ય ઉત્પાદનો આગામી દિવસોમાં મોંઘા થઈ શકે છે.
  • વીજળી મોંઘી થવાની ભીતિ: વીજ ઉત્પાદન ક્ષેત્રે પણ આ ડીઝલનો વપરાશ થતો હોવાથી વીજળીના દરોમાં પણ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.


આ પણ વાંચો - Auto News: આ કંપનીએ લાધો એક મોટો નિર્ણય; કાર અને ટ્રકની કિંમતોમાં 1 એપ્રિલથી મોટો વધારો