અમેરિકન ચિપ ઉત્પાદક કંપની ઇન્ટેલ (Intel)એ નવેમ્બર મહિનામાં વધુ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે. કંપની સતત ખર્ચ ઘટાડવા, કામગીરી સરળ બનાવવા અને મુશ્કેલીમાં મુકાયેલા પોતાના વ્યવસાયને ફરી પાટે ચઢાવવાના પ્રયાસો કરી રહી છે.
આ માટે કંપનીમાં અનેક હોદ્દાઓ નાબૂદ કરવામાં આવી રહ્યા છે અને કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રક્રિયા CEO લિપ-બૂ ટાનની દેખરેખ હેઠળ ચાલી રહી છે. એક અહેવાલ અનુસાર, નવેમ્બર 2026થી શરૂ થયેલી આ છટણીની અસર ઇન્ટેલના વૈશ્વિક IT કર્મચારી વર્ગ પર પડી છે.
જોકે, કંપનીએ તાજેતરમાં થયેલી છટણીમાં કેટલા કર્મચારીઓ પ્રભાવિત થયા છે અથવા કઈ ટીમોમાંથી કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા છે તેની સત્તાવાર માહિતી આપી નથી. છેલ્લાં બે વર્ષમાં કંપની અગાઉથી જ હજારો નોકરીઓમાં કાપ મૂકી ચૂકી છે.
'બિઝનેસ ઇનસાઇડર'ના અહેવાલમાં ઇન્ટેલના પ્રવક્તાને ટાંકીને જણાવાયું છે કે, "વધુ કેન્દ્રિત અને કાર્યક્ષમ કંપની બનવાની અમારી વ્યાપક વ્યૂહરચનાના ભાગરૂપે અમે સતત અમારા કર્મચારી વર્ગનું મૂલ્યાંકન કરતા રહીએ છીએ, જેથી અમારી પ્રાથમિકતાઓ અને સંસાધનો યોગ્ય રીતે ગોઠવાયેલા રહે."
ઇન્ટેલમાં કર્મચારીઓની સંખ્યા સતત ઘટી રહી છે
ઇન્ટેલમાં છેલ્લાં બે વર્ષ દરમિયાન અને તાજેતરમાં થયેલી છટણીના કારણે કર્મચારીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કંપનીના સત્તાવાર દસ્તાવેજો અનુસાર, સપ્ટેમ્બરના અંતે ઇન્ટેલમાં 81,100 કર્મચારીઓ હતા, જ્યારે 2025ના અંતે આ સંખ્યા 85,100 હતી. એટલે કે, વર્ષના પ્રથમ નવ મહિનામાં કંપનીના કર્મચારીઓની સંખ્યામાં 4,000નો ઘટાડો થયો છે.
આ પહેલાં જુલાઈ 2026માં કંપનીએ પોતાના ડેટા સેન્ટર અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) વિભાગમાં પણ છટણી કરી હતી. CEO લિપ-બૂ ટાને જુલાઈ 2025માં કાર્યભાર સંભાળ્યા બાદ કંપનીએ મોટા પાયે પુનર્ગઠનની યોજના બનાવી હતી. આ યોજનામાં અમેરિકામાં 5,000થી વધુ નોકરીઓમાં કાપ મૂકવા અને અનેક મોટા પ્રોજેક્ટ્સનું કામ મર્યાદિત કરવાનો સમાવેશ થતો હતો.
શા માટે ઇન્ટેલ કર્મચારીઓની છટણી કરી રહ્યું છે?
CEO લિપ-બૂ ટાન કંપનીનો ખર્ચ ઘટાડવા, મેનેજમેન્ટના બિનજરૂરી સ્તરો દૂર કરવા અને ઓછી પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટ્સમાંથી સંસાધનો અન્યત્ર વાળવા પર ધ્યાન આપી રહ્યા છે.
હાલમાં ઇન્ટેલ ઉત્પાદન પ્રક્રિયામાં વિલંબ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચિપના બજારમાં એનવિડિયા (Nvidia) તથા એએમડી (AMD) જેવા હરીફો કરતાં પાછળ રહી ગયું છે. આવી સ્થિતિમાં કંપની ફરીથી બજારમાં પોતાની સ્પર્ધાત્મક ક્ષમતા અને સ્થાન મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો:Car-Bike Insurance: કાર-બાઇક વીમાધારકો ધ્યાન આપો! 15 ડિસેમ્બરથી બદલાશે પોલિસીના નિયમો