અમેરિકાએ ઈરાન પર ફરીથી હુમલાઓ શરૂ કર્યા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડએ મંગળવારે થયેલા આ તાજેતરના હુમલાની જાણ કરી. જણાવ્યું હતું કે આ હુમલાઓ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક જહાજો અને મધ્ય પૂર્વમાં યુએસ સૈનિકોને નિશાન બનાવવાના પ્રયાસોના જવાબમાં કરવામાં આવ્યા હતા.

સૌથી મોટો હુમલો હજુ બાકી છે- ટ્રમ્પ 

આ દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ દ્વારા ઈરાનને ચેતવણી આપી હતી કે "સૌથી મોટો હુમલો" હજુ આવવાનો બાકી છે. દરમિયાન, IRGC પ્રવક્તા હુસૈન મોહેબીએ કડક ખંડન કરતા કહ્યું હતું કે યુએસને આ નવા હુમલાઓનો પસ્તાવો થશે અને આક્રમણકારોને કડક સજાનો સામનો કરવો પડશે. ઈરાને એ પણ અહેવાલ આપ્યો હતો કે યુએસ હુમલામાં ચાર લોકો માર્યા ગયા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી સંઘર્ષ કેમ ભડકી રહ્યો છે?

રવિવારે યુએસ સૈન્ય દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ નજીક લારાક ટાપુ પર ઈરાની રોકેટ લોન્ચરને નિશાન બનાવ્યા પછી, ઈરાને જોર્ડનમાં યુએસ લશ્કરી થાણાઓ પર મિસાઇલો અને ડ્રોન છોડીને બદલો લીધો.

ટ્રમ્પે અમેરિકી લશ્કરી હુમલાઓને વાજબી ઠેરવતા દાવો કર્યો કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ ખાણો નાખવાનો પ્રયાસ કરી રહ્યો હતું જે નિષ્ફળ ગયો. . બદલામાં ઈરાને આ અમેરિકાના દાવાઓને બનાવટી ગણાવ્યા.

ઈરાની મીડિયા અને અધિકારીઓએ અહેવાલ આપ્યો કે અમેરિકી હુમલામાં નાગરિકોને નુકસાન થયું છે. એક મહિનાની શાંતિ પછી શરૂ થયેલા આ અચાનક સીધા લશ્કરી મુકાબલા બાદ - વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ $92 સુધી વધી ગયા છે.

ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા


બંને દેશો વચ્ચે મિસાઈલ હુમલાના અહેવાલો સામે આવતાની સાથે જ બ્રેન્ટ ક્રૂડના ભાવ માત્ર $92 ના આંકને વટાવી ગયા નથી પરંતુ વેપાર દરમિયાન $94 અને $95 પ્રતિ બેરલના સ્તરને પણ સ્પર્શી ગયા છે. જ્યારે તેલના ભાવ લગભગ એક મહિના સુધી સાંકડી રેન્જમાં સ્થિર રહ્યા હતા, ત્યારે આ નવા ભૂ-રાજકીય તણાવે અચાનક કિંમતોને તાજેતરના ઉચ્ચ સ્તરે ધકેલી દીધી છે.


ભારત પર શું અસર પડશે?

1. કાચા તેલના ભાવમાં વધારો

કાચા તેલના ભાવમાં વધારો ભારત માટે નકારાત્મક છે, કારણ કે દેશ તેની ક્રૂડ ઓઈલની જરૂરિયાતોના 85% થી 88% આયાત કરે છે. પરિણામે ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવ ભારતીય અર્થતંત્ર, ઘરગથ્થુ બજેટ અને શેરબજાર પર બહુપક્ષીય દબાણ લાવશે.

2. પેટ્રોલ ડીઝલના ભાવ 

જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘુ થાય છે, ત્યારે સ્થાનિક તેલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOCL) ના રિફાઇનિંગ માર્જિન ઘટે છે. જો સરકાર એક્સાઇઝ ડ્યુટી ઘટાડશે નહીં, તો રિટેલ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો અનિવાર્ય બની જાય છે.

3. આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધશે 

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાથી ટ્રકોના માલસામાનના ખર્ચમાં વધારો થશે. આનાથી ફળો, શાકભાજી, દૂધ અને દૈનિક આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં તાત્કાલિક વધારો થશે. તેલના ઊંચા ભાવ LPG અને LNG માટે ઇનપુટ ખર્ચમાં પણ વધારો કરશે.તાજેતરમાં જ વાણિજ્યિક સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે; જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે, તો નજીકના ભવિષ્યમાં સ્થાનિક રસોઈ ગેસના ભાવ પર પણ દબાણ જોવા મળી શકે છે.



આ પણ વાંચો-  નેપાળમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે સોનુ સૂદ, જાણો શું કહ્યું ?