ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ આવતીકાલે એટલે કે 15 સપ્ટેમ્બર 2025 છે, જો હજુ પણ તમે રિટર્ન ફાઈલ કર્યું નથી તો હવે તમારી પાસે માત્ર એક દિવસ છે. જો તમે હજુ સુધી તમારું ITR ફાઈલ કર્યું નથી તો ઝડપથી રિટર્ન ફાઈલ કરી દો કારણ કે આ તારીખ પછી રિટર્ન ફાઈલ કરવાથી તગડો દંડ તમારે ભરવો પડશે. સરકારે સ્પષ્ટપણે તમામ ટેક્સપેયર્સને ચેતવણી આપી છે કે તેઓ સમયસર તેમનું ITR ફાઈલ કરે જેથી પછીથી કોઈ સમસ્યા ન થાય.

ITR મોડા ફાઈલ કરવાથી થશે આ મોટું નુકસાન?

ઈન્કમટેક્સ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ITR ફાઈલ ન કરવા અથવા સમયસર ફાઈલ ના કરવાને બદલ દંડ ભરવો પડશે. ઈન્કમટેક્સ કાયદાની કલમ 234F મુજબ નિર્ધારિત સમય મર્યાદા પછી રિટર્ન ફાઈલ કરનારાઓને દંડ ભરવો પડશે. જો તમારી વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય, તો વિલંબ માટે દંડ ફક્ત 1,000 રૂપિયા હશે. જ્યારે 5 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવતા લોકો માટે 5,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. પહેલા આ દંડ 10,000 રૂપિયા સુધીનો હતો, પરંતુ તેને ઘટાડીને 5000 રૂપિયા કરવામાં આવ્યો છે. તેથી વિલંબ ન કરો નહીં તો આ દંડ તમારી બચત પર બોજ બની શકે છે.

15 સપ્ટેમ્બર પછી પણ તમે ITR ફાઈલ કરી શકો છો

જો તમે 15 સપ્ટેમ્બર 2025 સુધીમાં તમારું ITR ફાઈલ કરી શકતા નથી તો ગભરાશો નહીં. તમે એસેસમેન્ટ વર્ષના અંતના 3 મહિના પહેલા અથવા એસેસમેન્ટ વર્ષના અંત પહેલા સુધી તમે ITR ફાઈલિંગ કરી શકો છો. જો કે, આ કિસ્સામાં દંડ ચૂકવવો ફરજિયાત રહેશે. આનો અર્થ એ છે કે તમને હજુ પણ તમારો ટેક્સ બચાવવાની તક મળી શકે છે, પરંતુ આ માટે તમારે સરકારને દંડ તરીકે કેટલીક વધારાની રકમ ચૂકવવી પડશે.

વહેલામાં વહેલી તકે ITR ફાઈલ કરવું

ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવું એ ફક્ત કાયદાની આવશ્યકતા નથી, પરંતુ તે સારા ટેક્સ આયોજનમાં પણ મદદ કરે છે. સમયસર ITR ફાઈલ કરવાથી તમને વિવિધ સરકારી લાભો અને રિફંડ મેળવવામાં પણ મદદ મળી શકે છે. તેથી, જો તમે હજુ સુધી તમારું ITR ફાઈલ કર્યું નથી તો તેને પ્રાથમિકતા આપો. સમયસર આમ કરવાથી તમને ઈન્કમટેક્સ વિભાગ તરફથી દંડ અને બિનજરૂરી પૂછપરછથી પણ બચાવ થશે.

રિટર્ન ફાઈલ કર્યા પછી વેરિફિકેશન પણ છે જરૂરી

રિટર્ન ફાઇલ કર્યા પછી, તેનું વેરિફિકેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી તમે વેરિફિકેશન નહીં કરો, ત્યાં સુધી તમારું ફાઈલ કરેલું ITR પૂર્ણ માનવામાં આવશે નહીં. ચકાસણી માટે ઘણી સરળ રીતો છે. સૌથી ઝડપી રીત આધારમાંથી OTP દ્વારા ચકાસણી છે . આ ઉપરાંત તમે નેટ બેન્કિંગ, બેન્ક એકાઉન્ટ અથવા ડીમેટ એકાઉન્ટ દ્વારા પણ ચકાસણી કરી શકો છો. જો તમે ઈચ્છો તો તમે સહી કરેલા ITR-V ફોર્મ પોસ્ટ દ્વારા CPC બેંગ્લોરને પણ મોકલી શકો છો, પરંતુ આ પદ્ધતિ ધીમી છે અને છેલ્લી ઘડીએ સલાહભર્યું નથી. ધ્યાનમાં રાખો વેરિફિકેશન વગર તમારું રિટર્ન અમાન્ય ગણવામાં આવશે અને તમારે ફરીથી ફાઈલ કરવું પડી શકે છે. આ સરળ અને ઝડપી પ્રક્રિયા દ્વારા તમે સરળતાથી તમારું ITR ફાઈલ કરી શકો છો અને દંડ ટાળી શકો છો.