નાણાકીય બાબતોમાં સહેજ પણ બેદરકારી કરદાતાઓ માટે આર્થિક મુસીબત નોતરી શકે છે. આવકવેરા વિભાગ દ્વારા ITR ફાઇલ કરવા અને આવકની સાચી વિગતો આપવા માટે કડક નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. 

જાણી જોઇને છુપાવશો ઇન્કમ તો હવે ખેર નથી

મળતી માહિતી પ્રમાણે જો કોઈ કરદાતા જાણીજોઈને પોતાની આવક છુપાવે છે અથવા ખોટી વિગતો રજૂ કરે છે, તો કલમ 270A હેઠળ તેમને બાકી રહેલા ટેક્સના ૨૦૦% સુધીનો ભારે દંડ ભરવો પડી શકે છે. આ ઉપરાંત, સમયસર ITR ફાઇલ ન કરનાર વ્યક્તિએ કલમ 234F હેઠળ ₹5000 સુધીની લેટ ફી ચૂકવવી પડે છે. જોકે, જેની વાર્ષિક આવક ₹૫ લાખથી ઓછી છે, તેમના માટે આ લેટ ફી ₹1000 સુધી સીમિત રાખવામાં આવી છે. ઓડિટ અને એકાઉન્ટ બુક જાળવવામાં નિષ્ફળ રહેનાર કરદાતાઓને પણ નિયમ મુજબ દંડની જોગવાઈઓનો સામનો કરવો પડે છે.

યુકેમાં કામ કરતા ભારતીયો માટે મોટા સમાચાર

આવકવેરાના કડક નિયમોની વચ્ચે, વિદેશમાં કામ કરતા ભારતીય વ્યાવસાયિકો માટે એક ખૂબ જ રાહતના સમાચાર છે. ભારત અને યુકે વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન (DCC) 15 જુલાઈથી અમલમાં આવી રહ્યા છે. અત્યાર સુધી, જે ભારતીય પ્રોફેશનલ્સ યુકેમાં કામ કરવા જતા હતા, તેમના પગારમાંથી લગભગ 25% રકમ 'નેશનલ ઇન્સ્યોરન્સ કોન્ટ્રીબ્યુશન' (NIC) તરીકે કાપવામાં આવતી હતી. આ રકમ પાછી મેળવવી મુશ્કેલ હતી કારણ કે ત્યાંના પેન્શન લાભ માટે 10 વર્ષના રહેઠાણની શરત હતી.

PF ખાતામાં થશે સીધી જમા રકમ

નવા કરાર હેઠળ, હવે પાંચ વર્ષ સુધીના ટૂંકા ગાળા માટે યુકે જતા ભારતીયોનો 25% પગાર ત્યાં રોકવામાં આવશે નહીં. તેના બદલે, આ રકમ સીધી ભારતમાં તેમના પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતામાં જમા કરવામાં આવશે. આ ફેરફારથી કર્મચારીઓને બેવડો ફાયદો થશે: પ્રથમ, તેમની 'ઇન-હેન્ડ' સેલેરીમાં વધારો થશે અને બીજું, આ જમા રકમ પર તેમને ભારતના નિયમ મુજબ 8.25% કરમુક્ત વ્યાજ પણ મળતું રહેશે.

આ નિર્ણયથી વિદેશમાં કામ કરતા ભારતીયોની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને તેમના નિવૃત્તિ ભંડોળમાં પણ નોંધપાત્ર વધારો થશે. આમ, જ્યાં એક તરફ સરકારે કરચોરી રોકવા માટે નિયમો કડક બનાવ્યા છે, ત્યાં બીજી તરફ વિદેશમાં કાર્યરત ભારતીયો માટે સામાજિક સુરક્ષાનું એક સુરક્ષિત માળખું તૈયાર કર્યું છે. કરદાતાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ટેક્સ સંબંધિત તમામ નિયમોનું પાલન કરે જેથી કોઈપણ પ્રકારના દંડથી બચી શકાય અને સરકારની આવી કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ શકાય.

આ પણ વાંચોઃ Bihar : લો બોલો! વર્ષના વૃદ્ધના પેન્શન ખાતામાં જમા થયા 759 કરોડ રૂપિયા!