મુકેશ અંબાણીની કંપની Jio Platformsના IPOએ શેરબજારમાં નવી ચર્ચા જગાવી છે. ₹30,213 કરોડના આ IPOને ખુલ્યાના માત્ર 100 મિનિટમાં સંપૂર્ણ સબસ્ક્રિપ્શન મળી ગયું હતું. 21 ઓક્ટોબરે પ્રથમ દિવસે બપોર સુધીમાં IPO માટેની કુલ બોલી ₹50,000 કરોડને પાર પહોંચી હતી. આ સાથે Jio Platformsનો IPO ભારતમાં સૌથી ઝડપથી સંપૂર્ણ સબસ્ક્રાઇબ થનારા IPOમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. શેરબજારના આંકડા પ્રમાણે, પ્રથમ દિવસે બપોરે 2:45 વાગ્યા સુધીમાં ઓફર પર રહેલા 19.75 કરોડ શેર સામે 46.50 કરોડ શેર માટે બોલી મળી હતી. એટલે IPOને કુલ મળીને 2.35 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું.

₹30,213 કરોડનો IPO, શેરની કિંમત કેટલી?

Jio Platformsના IPO માટે શેરદીઠ ₹1,065થી ₹1,119ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. ઉપરની કિંમત પ્રમાણે કંપનીનું મૂલ્યાંકન આશરે 108 અબજ ડોલર થાય છે. આ IPOમાં કંપની નવા શેર જાહેર કરી રહી છે. એટલે આ પ્રક્રિયામાંથી મળનારી રકમ સીધી Jio Platformsને મળશે. કંપની આ રકમનો ઉપયોગ ટેલિકોમ બિઝનેસની લોન ચૂકવવા અને અન્ય કોર્પોરેટ જરૂરિયાતો માટે કરવાની યોજના ધરાવે છે. Jio Platforms રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ અને ટેલિકોમ કંપની છે. તેની પાસે 53 કરોડથી વધુ ગ્રાહકોનો મોટો આધાર છે. હવે કંપની ટેલિકોમ ઉપરાંત ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડિજિટલ સેવાઓ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં પણ વિસ્તરણ કરવા માગે છે.

સંસ્થાકીય રોકાણકારોએ લગાવી મોટી બોલી

IPOમાં સૌથી વધુ રસ મોટા સંસ્થાકીય રોકાણકારો તરફથી જોવા મળ્યો હતો. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) માટે અનામત હિસ્સો 7.09 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. બીજી તરફ, નોન-ઇન્સ્ટિટ્યુશનલ રોકાણકારોનો હિસ્સો 1.03 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ રોકાણકારોનો હિસ્સો પ્રથમ દિવસે બપોરે 2:45 વાગ્યા સુધી માત્ર 0.58 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. એટલે શરૂઆતમાં IPOની મોટાભાગની માંગ સંસ્થાકીય રોકાણકારો તરફથી આવી હતી. આ આંકડા દર્શાવે છે કે મોટા રોકાણકારો તરફથી IPOને સારો પ્રતિસાદ મળ્યો છે, જ્યારે સામાન્ય રોકાણકારોની માંગમાં હજુ વધારો થવાનો બાકી હતો. IPO બંધ થાય ત્યાં સુધી આ આંકડામાં ફેરફાર થઈ શકે છે.

એન્કર રોકાણકારો પાસેથી પણ રેકોર્ડ માંગ

જાહેર IPO શરૂ થાય તે પહેલાં Jio Platformsએ એન્કર રોકાણકારોને આશરે ₹8,110 કરોડના શેર ફાળવ્યા હતા. આ ફાળવણી માટે ₹2.5 લાખ કરોડથી વધુની માંગ મળી હોવાના અહેવાલ છે. એન્કર રોકાણકારોમાં મોટા સ્થાનિક અને વિદેશી રોકાણકારોનો સમાવેશ થાય છે. આ માંગને કારણે IPO ખુલતાં પહેલાં જ બજારમાં તેની ચર્ચા વધી ગઈ હતી.

IPO ક્યારે બંધ થશે અને લિસ્ટિંગ ક્યારે?

Jio Platformsનો IPO 21 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર, 2026 સુધી ખુલ્લો રહેશે. શેરની ફાળવણી 26 ઓક્ટોબરે થવાની અને રિફંડની પ્રક્રિયા 27 ઓક્ટોબરે થવાની યોજના છે. કંપનીના શેરનું BSE અને NSE પર 28 ઓક્ટોબરે લિસ્ટિંગ થવાનું નિર્ધારિત છે. પ્રથમ દિવસે મળેલા પ્રતિસાદથી IPOએ નોંધપાત્ર શરૂઆત કરી છે, પરંતુ અંતિમ સબસ્ક્રિપ્શન અને લિસ્ટિંગ બાદ શેરનું બજારમાં પ્રદર્શન કેવું રહેશે તે જોવાનું રહેશે. IPOમાં રોકાણ કરતા પહેલાં કંપનીનું મૂલ્યાંકન, જોખમો અને પોતાની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લેવી જરૂરી છે.

આ પણ વાંચો: 8th Pay Commission: 14%થી 140% સુધી વધી શકે છે પગાર! 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરથી પગાર વધારાનું આ રહ્યુ ગણિત