Reliance ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ અને ટેલિકોમ કંપની જિઓ પ્લેટફોર્મ્સના પ્રસ્તાવિત IPOને લઈને તૈયારીઓ હવે વધુ ઝડપી બની રહી છે. કંપની IPO પહેલાં દેશ-વિદેશના મોટા રોકાણકારો સુધી પહોંચવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, અમેરિકા, સિંગાપોર, હોંગકોંગ, લંડન અને મિડલ ઈસ્ટમાં સંભવિત રોકાણકારો સાથે બેઠકો યોજાઈ શકે છે.

SEBIની મંજૂરી બાદ આગળનું પગલું

જિઓ પ્લેટફોર્મ્સે 19 જૂન 2026ના રોજ IPO માટે SEBI સમક્ષ ડ્રાફ્ટ દસ્તાવેજો રજૂ કર્યા હતા. ત્યારબાદ 28 ઓગસ્ટે કંપનીને IPO માટે મંજૂરી મળી હતી. પ્રસ્તાવિત ઈશ્યૂ હેઠળ 27 કરોડ સુધીના નવા શેર જારી કરવાની યોજના છે, જે કંપનીની કુલ ઈક્વિટીમાં લગભગ 2.9 ટકાના ડાયલ્યુશન જેટલું થશે.

નવેમ્બરમાં IPO આવવાની શક્યતા

હાલ કંપનીના IPOની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી. જોકે, રિપોર્ટ મુજબ જો તમામ પ્રક્રિયા યોજના પ્રમાણે આગળ વધશે તો જિઓ પ્લેટફોર્મ્સનો IPO નવેમ્બર 2026માં બજારમાં આવી શકે છે.

વિદેશી રોકાણકારો સાથે બેઠકો

IPO પહેલાં જિઓ પ્લેટફોર્મ્સની ટીમ વૈશ્વિક રોકાણકારો સાથે સીધી ચર્ચા કરી શકે છે. અમેરિકા સહિત સિંગાપોર, હોંગકોંગ, લંડન અને મિડલ ઈસ્ટમાં યોજાનારી બેઠકો દરમિયાન કંપનીનો બિઝનેસ મોડલ, અત્યાર સુધીની વૃદ્ધિ અને ભવિષ્યની સંભાવનાઓ અંગે પ્રેઝન્ટેશન આપવામાં આવી શકે છે.

IPOનું વેલ્યુએશન હજુ નક્કી નથી

જિઓ પ્લેટફોર્મ્સના IPOની અંતિમ વિગતો હજુ સામે આવી નથી. રિપોર્ટ અનુસાર, કંપની અને તેના સલાહકારો વચ્ચે ઈશ્યૂના કદ, કંપનીના વેલ્યુએશન અને IPOના સમયને લઈને ચર્ચા ચાલી રહી છે. એટલે અંતિમ ઓફર સાઈઝ અને વેલ્યુએશનમાં ફેરફાર થવાની શક્યતા પણ છે.

રિલાયન્સ પણ ₹12,500 કરોડ ઊભા કરશે

બીજી તરફ, જિઓના IPOની તૈયારીઓ વચ્ચે તેની પેરન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ ફંડ એકત્ર કરવાની દિશામાં આગળ વધી રહી છે. રિપોર્ટ અનુસાર, રિલાયન્સ સ્થાનિક કરન્સી બોન્ડ દ્વારા આગામી સપ્તાહની શરૂઆતમાં ₹12,500 કરોડ સુધીની રકમ મેળવવાની યોજના બનાવી રહી છે.

બોન્ડ ઈશ્યૂની બેઝ સાઈઝ ₹10,000 કરોડ

રિપોર્ટ પ્રમાણે રિલાયન્સના પ્રસ્તાવિત બોન્ડ ઈશ્યૂની મૂળ સાઈઝ ₹10,000 કરોડ રહેશે. આ ઉપરાંત કંપની પાસે ગ્રીનશૂ ઓપ્શન હેઠળ વધુ ₹2,500 કરોડ એકત્ર કરવાની સંભાવના રહેશે. આ રીતે કુલ ફંડ રેઝિંગ ₹12,500 કરોડ સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો:  NSEનો IPO રચશે ઇતિહાસ? જાણો પ્રાઇઝ બેન્ડથી લઇને લિસ્ટિંગ સુધીની દરેક ડિટેલ