નવા મહિનાની શરૂઆતમાં ઘણા નવા નિયમો આવે છે આજે 1 જુલાઈ 2025થી ઘણા નિયમોનાં પણ ફેરફાર થયો છે. જેની સીધી અસર સામાન્ય લોકોના રોજિંદા જીવન પર પડશે. આ મહિનાની શરૂઆતમાં રેલ્વે ટિકિટ બુકિંગ, ક્રેડિટ કાર્ડ, GST રિટર્ન અને LPG સિલિન્ડરના નવા ભાવનો સમાવેશ થાય છે.

ક્રેડિટ કાર્ડથી બિલ પેમેન્ટ

RBI દ્વારા ક્રેડિટ કાર્ડ અંગે એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આજથી એટલે કે 1 જુલાઈથી તમામ ખાનગી અને સરકારી બેંકોના કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે બધા ક્રેડિટ કાર્ડ ધારકોએ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ચુકવણી કરવી પડશે. જેનાથી બિલડેસ્ક, ઇન્ફીબીમ એવન્યુ, ક્રેડિટ અને ફોનપે જેવા પ્લેટફોર્મ પ્રભાવિત થશે.


કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો

આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 58.5 રૂપિયા, કોલકાતામાં 57 રૂપિયા, મુંબઈમાં 58 રૂપિયા અને ચેન્નાઈમાં 57.5 રૂપિયા સસ્તા થયા છે. આ સતત ચોથો મહિનો છે જ્યારે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે.


નવા પાન કાર્ડ માટે નિયમો

હવે નવું પાન કાર્ડ મેળવવા માટે આધાર કાર્ડ આપવું ફરજિયાત છે. પહેલા કોઈપણ જન્મ પ્રમાણપત્ર અથવા કોઈપણ માન્ય દસ્તાવેજ પાન કાર્ડ મેળવવા માટે પૂરતો હતો. પરંતુ CBDT એ હવે આધાર વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે.


રિઝર્વેશન ચાર્ટ

ટ્રેન ઉપડવાના માત્ર ચાર કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ જારી કરવામાં આવતો હતો. પરંતુ હવે રેલવેએ તેમાં ફેરફાર કર્યો છે, કારણ કે અગાઉ વેઇટલિસ્ટમાં રહેલા મુસાફરોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. હવે 1 જુલાઈથી રિઝર્વેશન ચાર્ટ આઠ કલાક પહેલા તૈયાર કરવામાં આવશે. જો તમારી ટ્રેન બપોરે 1 વાગ્યે ઉપડવાની હોય તો તે આગલી રાત્રે 8 વાગ્યે તૈયાર કરવામાં આવશે અને જારી કરવામાં આવશે.


UPI નિયમોમાં થશે ફેરફાર

UPI ચાર્જબેકનો આ નવો નિયમ પણ અમલમાં આવી ગયો છે. અત્યાર સુધી બેંકોને NPCI એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસેથી મંજૂરી મેળવવી પડતી હતી પરંતુ હવે ગયા મહિનાની 20મી તારીખે જાહેર કરાયેલા નવા નિયમ અનુસાર, બેંકો NPCIની મંજૂરી વિના ચાર્જબેક દાવાની ફરીથી પ્રક્રિયા કરી શકશે.


જેટ ઇંધણના ભાવમાં વધારો

ઘરેલુ ફ્લાઇટ્સ માટે જેટ ઇંધણના ભાવમાં લગભગ સાડા સાત ટકાનો વધારો થયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 7.55 ટકા એટલે કે 6,271 રૂપિયાના વધારા બાદ જેટ ઇંધણનો નવો ભાવ 89,344.05 રૂપિયા પ્રતિ કિલોલિટર થઈ ગયો છે. જ્યારે કોલકાતામાં, 7.52 ટકાના વધારા બાદ તેનો નવો દર 92,526.09 રૂપિયા અને મુંબઈમાં 7.66 ટકાના વધારા બાદ નવો દર 5,946.5 રૂપિયા અને ચેન્નાઈમાં 7.67 ટકાના વધારા બાદ નવો દર 6,602.49 રૂપિયા પ્રતિ કિલોલિટર થઈ ગયો છે.


GST રિટર્ન

હવે GSTN એટલે કે GST નેટવર્કે જાહેરાત કરી છે કે GSTR-3B ફોર્મમાં ફેરફાર કરી શકાશે નહીં. કોઈપણ કરદાતા ત્રણ વર્ષ પછી પાછલી તારીખનું GST રિટર્ન ફાઇલ કરી શકશે નહીં.