કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ગુરુવારે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં નિયમોમાં મોટા ફેરફારો (EPFO Rule Change) કરવાનો નિર્ણય લીધો છે, જેની સીધી અસર દેશના લાખો નોકરિયાત વર્ગ પર પડશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મળેલી EPFO ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની 240મી બેઠકમાં PF ખાતાધારકોના હિતમાં આંશિક ઉપાડ અને નવી SWP યોજના સહિતના પાંચ મોટા નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે.
EPFOમાં બદલાયા છે આ 5 નિયમો
1. નિવૃત્તિ બાદ હપ્તામાં મળશે PF ના પૈસા: SWP યોજનાને મંજૂરી
EPFO એ સિસ્ટમેટિક વિથડ્રોઅલ પ્લાન (SWP) ને લીલી ઝંડી આપી દીધી છે. આ નવી સુવિધા હેઠળ, નિવૃત્તિ પછી કર્મચારીઓ પોતાનું PF ભંડોળ એકસાથે ઉપાડવાને બદલે માસિક, ત્રિમાસિક અથવા અર્ધ-વાર્ષિક હપ્તામાં ઉપાડી શકશે, જ્યારે ખાતામાં જમા બાકીની રકમ પર વ્યાજ મળતું રહેશે. આનાથી નિવૃત્તિ બાદ PF ફંડ નિયમિત આવકનો સ્ત્રોત બની રહેશે. જો ચુકવણીના સમયગાળા દરમિયાન સભ્યનું અવસાન થાય, તો નોમિની બાકીની રકમ ઉપાડી શકશે અથવા SWP હેઠળ હપ્તા ચાલુ રાખી શકશે. પ્રારંભિક તબક્કામાં 55 વર્ષથી વધુ ઉંમરના અને ખાતામાં ₹5 લાખથી વધુ બેલેન્સ ધરાવતા આશરે 6.32 લાખ સભ્યોને આનો લાભ મળવાની અપેક્ષા છે.
2. PF ખાતામાંથી હવે 90% સુધીની રકમ ઉપાડી શકાશે
PF થાપણોના ઉપાડને લઈને EPFO એ ખાતાધારકોને મોટી રાહત આપી છે. અત્યાર સુધી PF ખાતામાં લઘુત્તમ 25% બેલેન્સ જાળવી રાખવું જરૂરી હતું, જે હવે ઘટાડીને માત્ર 10% કરી દેવામાં આવ્યું છે. આ ફેરફારને કારણે અગાઉ નોકરી છોડ્યા પછી કે નિવૃત્તિ સમયે જમા રકમના 75% સુધી જ ઉપાડ શક્ય હતો, પરંતુ હવે કર્મચારીઓ પોતાના PF ખાતામાંથી 90% સુધીની રકમ ઉપાડી શકશે અને માત્ર 10% રકમ ખાતામાં રાખવી પડશે.
3. અંતિમ PF ઉપાડ માટે રાહ જોવાનો સમયગાળો ઘટીને 2 મહિના થયો
બેરોજગારીની સ્થિતિમાં કર્મચારીઓને તાત્કાલિક આર્થિક મદદ મળી રહે તે માટે EPFO એ અંતિમ (ફાઇનલ) PF ઉપાડ માટેનો રાહ જોવાનો સમયગાળો ૧૨ મહિનાથી ઘટાડીને માત્ર બે મહિના કરી દીધો છે. EPF યોજના ૨૦૨૬ ના સુધારેલા નિયમો હેઠળ લાયકાતનો સમયગાળો ઘટાડવાને કારણે હવે સભ્યોએ પોતાના જમા નાણાં ઉપાડવા માટે લાંબો સમય રાહ જોવી નહીં પડે.
4. EDLI યોજના હેઠળ સંસ્થાઓને 6 મહિનાની મોટી રાહત
સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની 240મી બેઠકમાં એમ્પ્લોઇઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ (EDLI) યોજના હેઠળ સંસ્થાઓને પણ મહત્વની રાહત આપવામાં આવી છે. બોર્ડે લાયક સંસ્થાઓને તેમની સમાપ્ત થઈ ગયેલી મુક્તિઓ (Exemptions) રિન્યુ કરાવવા માટે છ મહિનાનો વધારાનો સમય આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, યોગ્ય ચકાસણી બાદ ચોક્કસ સમયગાળા માટે યોગદાન, વ્યાજ અને દંડમાં પણ રાહત આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
5. EPFO ની ડિજિટલ સેવાઓ અને ક્લેમ સેટલમેન્ટ વધુ ઝડપી બન્યા
બેઠકમાં EPFO ની ડિજિટલ સેવાઓને વધુ ગતિશીલ બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. CBT દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, CITES 2.0 સિસ્ટમના અમલીકરણ બાદ ઓટો-પ્રોસેસ્ડ દાવાઓ (Auto-processed claims) નું પ્રમાણ 39% થી વધીને 71% સુધી પહોંચી ગયું છે. પરિણામે, દાવાની પતાવટ (Claim Settlement) માટે લાગતો સરેરાશ સમય 11.15 દિવસથી ઘટીને માત્ર 2.57 દિવસ થઈ ગયો છે.