ઘર ખરીદવું એ દરેક વ્યક્તિ માટે એક મોટું સ્વપ્ન હોય છે, પરંતુ આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે લેવામાં આવતી હોમ લોન ઘણીવાર ખુશીની સાથે ચિંતા પણ લાવે છે. ખાસ કરીને જ્યારે વાત વ્યાજદર પસંદ કરવાની હોય, પછી ભલે તે ફિક્સ્ડ હોય કે ફ્લોટિંગ રેટની હોય. આ એક નાનો નિર્ણય લાગે છે, પરંતુ તેની સીધી અસર આગામી 15થી 20 વર્ષ સુધી તમારા ખિસ્સા પડે છે. ત્યારે આવો સમજીએ બંને વચ્ચેનો તફાવત અને અસર.
ફિક્સ્ડ રેટ: સ્થિર પરંતુ મોંઘો
ફિક્સ્ડ-રેટ હોમ લોનનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારો EMI દર મહિને સમાન રહે છે. ભલે બજારના ગમે તેટલા ઉતાર-ચઢાવ આવતા રહે. તમારી EMI ફિક્સ રહે છે. જેનાથી બજેટ મેનેજ કરવું સરળ બની જાય છે. અને તમને માનસિક શાંતિ પણ મળે છે. પરંતુ આ સ્થિરતાની કિંમત વધુ છે. સામાન્ય રીતે, ફિક્સ્ડ-રેટ લોનનો વ્યાજદર ફ્લોટિંગ-રેટ લોન કરતા 1થી ૧.૫% વધારે હોય છે. આનો અર્થ એ છે કે શરૂઆતમાં તમે જે સ્થિરતાનો આનંદ માણો છો તે લાંબા ગાળે તમારા ખિસ્સા પર બોજ બની શકે છે. જો ભવિષ્યમાં વ્યાજદર ઘટશે, તો ફિક્સ્ડ રેટ ધરાવતા લોકોને તેનો લાભ નહીં મળે. આવી સ્થિતિમાં તમારે એ જ EMI ચૂકવવાની ચાલુ રાખવી પડે છે. જ્યારે અન્ય લોકો ઓછી EMI ચૂકવી રહ્યા હોય છે.
ફ્લોટિંગ રેટ: સસ્તો પરંતુ જોખમી
ફ્લોટિંગ-રેટ હોમ લોનના વ્યાજદરોમાં બજારની સ્થિતિના આધારે વધઘટ થાય છે. તે રેપો રેટ અથવા બેંકના બેન્ચમાર્ક રેટ સાથે જોડાયેલા હોય છે. જ્યારે બજારમાં વ્યાજદર ઘટે છે, ત્યારે તમારી EMI પણ ઘટે છે, જે સૌથી મોટો ફાયદો છે. પરંતુ આમાં જોખમ પણ છે. જો RBI વ્યાજદર વધારે છે તો તમારી EMIમાં પણ વધારો થઈ જશે. આવી સ્થિતિમાં તમારું માસિક બજેટ બગડી શકે છે. જોકે, લાંબા ગાળે ફ્લોટિંગ રેટ સામાન્ય રીતે ફિક્સ્ડ રેટ કરતાં સસ્તા સાબિત થાય છે, કારણ કે વ્યાજદર હંમેશા ઊંચા નથી રહેતા.
શું ફિક્સ્ડથી ફ્લોટિંગ રેટ પર જવું ફાયદાકારક?
જો તમે ઊંચા ફિક્સ્ડ રેટ પર લોન લીધી હોય અને બજારમાં વ્યાજદર હવે ઘટી ગયા હોય, તો બેલેન્સ ટ્રાન્સફર એક સારો વિકલ્પ હોઈ શકે છે. આનો અર્થ એ છે કે તમારી લોન ઓછા વ્યાજદર ધરાવતી બીજી બેંકમાં ટ્રાન્સફર કરાવવી. માત્ર 0.5% અથવા 1% ના દર ઘટાડાથી પણ લોનના આખા સમયગાળા દરમિયાન લાખો રૂપિયાની બચત થઈ શકે છે. જોકે, આ પ્રોસેસ માટે કેટલીક બેંકો પ્રોસેસિંગ ફી અથવા ટ્રાન્સફર ચાર્જ વસૂલ કરે છે, તેથી નિર્ણય લેતા પહેલા આ ખર્ચને ધ્યાનમાં લેવાનું ભૂલશો નહીં.
કોના માટે કઈ લોન યોગ્ય?
જો તમારી નવી નોકરી છે, લોનની મુદત લાંબી છે, અને બજારની પરિસ્થિતિઓનો સામનો કરી શકો છો, તો ફ્લોટિંગ રેટ તમારા માટે વધુ સારો હોઈ શકે છે. તે ફ્લેક્સિબિલિટી આપે છે. અને લાંબાગાળે બચતની સંભાવના વધારે છે. પરંતુ જો તમે રિટાયરમેન્ટની નજીક છો અથવા વધુ સ્થિર બજેટ ઇચ્છો છો. તો ફિક્સ્ડ અથવા હાઇબ્રિડ લોન (જે કેટલાક વર્ષો માટે ફિક્સ્ડ હોય અને બાકીના વર્ષો માટે ફ્લોટિંગ હોય) વિકલ્પ પસંદ કરવો વધુ સારું છે. આ તમારી EMIમાં સ્થિરતા આપશે અને અચાનક વધારાનું જોખમ પણ ઘટાડશે.