જો તમે પણ શોપિંગ, બિલ પેમેન્ટ કે અન્ય ખર્ચ માટે Credit Cardનો ભરપૂર ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. ભારત સરકારનું આવકવેરા વિભાગ (Income Tax Department) આગામી 1 એપ્રિલ 2026થી ક્રેડિટ કાર્ડના નિયમોમાં ધરખમ ફેરફાર કરવા જઈ રહ્યું છે. નવા 'ડ્રાફ્ટ ઇન્કમ ટેક્સ રૂલ્સ 2026' મુજબ હવે તમારા ક્રેડિટ કાર્ડના ખર્ચ પર ટેક્સ વિભાગની સીધી નજર રહેશે.
1962ના જૂના નિયમોનો આવશે અંત
આવકવેરા વિભાગ દ્વારા વર્ષ 1962ના જૂના ટેક્સ નિયમોને હટાવીને 'અપડેટેડ રૂલ્સ 2026' લાગુ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ડિજિટલ પેમેન્ટના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને લેવડ-દેવડમાં પારદર્શિતા વધારવા અને મોટા વ્યવહારોની દેખરેખ રાખવા માટે આ પાંચ મુખ્ય જોગવાઈઓ કરવામાં આવી છે.
1. 10 લાખથી વધુના પેમેન્ટ પર રાખવી પડશે સાવધાની
નવા નિયમો મુજબ, જો કોઈ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં તેના ક્રેડિટ કાર્ડનું બિલ 10 લાખ રૂપિયાથી વધુ (UPI, બેંક ટ્રાન્સફર કે ચેક દ્વારા) ભરે છે, તો બેંકે તેની જાણકારી આવકવેરા વિભાગને આપવી પડશે. આ ઉપરાંત, જો તમે 1 લાખ રૂપિયા કે તેથી વધુનું પેમેન્ટ રોકડમાં કરો છો, તો તેનું પણ રિપોર્ટિંગ અનિવાર્ય બનશે. આનો અર્થ એ છે કે તમારી આવક અને તમારા ખર્ચ વચ્ચે જો તફાવત જણાશે, તો વિભાગ નોટિસ મોકલી શકે છે.
2. PAN કાર્ડ વગર ક્રેડિટ કાર્ડ નહીં મળે
હવે કોઈપણ બેંક કે ફાઇનાન્શિયલ સંસ્થા પાન કાર્ડ (PAN) વગર નવું ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરી શકશે નહીં. અત્યાર સુધી અનેક કિસ્સામાં પાન કાર્ડ વિના પણ કાર્ડ મળતા હતા, પરંતુ હવે મોટા વ્યવહારો પર નજર રાખવા માટે આ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
3. કંપની દ્વારા મળતા કાર્ડ પર ટેક્સની જોગવાઈ
જો તમારી કંપની તમને બિઝનેસ ખર્ચ માટે ક્રેડિટ કાર્ડ આપે છે અને તેની વાર્ષિક ફી કે મેમ્બરશિપ ફી કંપની ભરે છે, તો તેને કર્મચારીની આવક (Perquisite) ગણવામાં આવશે. એટલે કે, આ રકમ તમારા પગારમાં ઉમેરાશે અને તેના પર ટેક્સ લાગશે. પરંતુ જો તમે સાબિત કરી શકો કે ખર્ચ સંપૂર્ણપણે ઓફિસના કામ માટે જ થયો છે, તો ટેક્સમાંથી મુક્તિ મળી શકે છે.
4. એડ્રેસ પ્રૂફ તરીકે કાર્ડ સ્ટેટમેન્ટની માન્યતા
એક રાહતના સમાચાર એ છે કે હવે પાન કાર્ડના આવેદનમાં ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટને એડ્રેસ પ્રૂફ તરીકે વાપરી શકાશે. જો કે, આ સ્ટેટમેન્ટ ત્રણ મહિનાથી વધુ જૂનું ન હોવું જોઈએ. આ ફેરફારથી દસ્તાવેજોની સત્યતા સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.
5. ટેક્સ ભરવા માટે ડિજિટલ વિકલ્પો
સરકારે હવે ઇન્કમ ટેક્સ ભરવા માટે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેંકિંગને સત્તાવાર ઇલેક્ટ્રોનિક માધ્યમ તરીકે સ્વીકાર્યા છે. આનાથી ટેક્સપેયર્સને વધુ સુવિધા મળશે અને ફિઝિકલ મોડ પરની નિર્ભરતા ઘટશે.
ક્રેડિટ કાર્ડના વધતા વપરાશ વચ્ચે સરકારે દેખરેખ કડક કરી છે. 1 એપ્રિલથી આ નિયમો લાગુ થવાથી યુઝર્સે તેમના મોટા ખર્ચ અને બિલ પેમેન્ટના સ્ત્રોત તૈયાર રાખવા પડશે જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન આવે.