નોકરિયાતો અને તેમના પરિવારજનો માટે એક સારા સમાચાર આવી ગયા છે. એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે EPFOએ એક મહત્વપૂર્ણ સર્ક્યુલર જાહેર કર્યો છે, જેનાથી નોકરી બદલનારાઓ કર્મચારીઓ અને તેમના આશ્રિતોને મોટો ફાયદો થશે. આ નવા નિર્ણય થી હવે વિકેન્ડ અને સરકારી રજાઓના કારણે સર્વિસ બ્રેક નહીં ગણવામાં આવે, જેનાથી ડેશ ક્લેમ સાથે જોડાયેલા ઘણા વિવાદનો ઉકેલ આવી જશે.

રજાના દિવસને નહીં ગણાય સર્વિસ બ્રેક

EPFOએ સ્પષ્ટ કહી દીધું છે કે જો કોઈ કર્મચારી એક કંપની છોડીને બીજી કંપનીમાં જોડાય છે અને તેની વચ્ચે ફક્ત શનિવાર, રવિવાર અથવા કોઈપણ જાહેર રજા હોય, તો તેને સર્વિસ બ્રેક ગણવામાં આવશે નહીં. અગાઉ, ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળતું હતું કે જો બે નોકરીઓ વચ્ચે વીકએન્ડ હોય, તો કર્મચારીની સર્વિસ બ્રેક માનવામાં આવતી હતી, જેના કારણે તેના પરિવારને વીમા અને પેન્શન સંબંધિત લાભો મળી શકતા ન હતા.

કેમ લેવામાં આવ્યો આ નિર્ણય?

EPFO એ જણાવ્યું હતું કે એવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જ્યાં કર્મચારીના મૃત્યુ પછી, તેના પરિવારનો એમ્પોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ (EDLI) ક્લેમ નકારી કાઢવામાં આવ્યો અથવા ફક્ત નાના તફાવતને કારણે ઓછી રકમ આપવામાં આવી હતી. અધિકારીઓ ઘણીવાર સેવાની ખોટી ગણતરી કરે છે, જેના કારણે આશ્રિતોને નુકસાન થાય છે. આ વિસંગતતાને દૂર કરવા માટે આ નવો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.

સતત સર્વિસની નવી વ્યાખ્યા

હવે, જો કર્મચારીની એક નોકરીના અંત અને બીજી નોકરીની શરૂઆત વચ્ચે વીકલી ઓફ, નેશનલ હોલીડે. ગેજેટેડ હોલીડે, સ્ટેટ હોલીડે અથવા પ્રતિબંધિત રજા આવતી હોય, તો તેને કન્ટીન્યૂ સર્વિસ ગણવામાં આવશે. EPFO એ એમ પણ કહ્યું છે કે નોકરી બદલતી વખતે મહત્તમ 60 દિવસનો ગેપ હોય તો પણ સર્વિસ કન્ટીન્યૂ માનવામાં આવશે.

EDLI ક્લેમને લઈ પરિવારોને મોટી રાહત

EPFO એ EDLI યોજના હેઠળ લઘુત્તમ ચુકવણીમાં પણ વધારો કર્યો છે. હવે, નોમિની અથવા કાનૂની વારસદારને ઓછામાં ઓછા 50,000 રૂપિયા ચૂકવવામાં આવશે, ભલે કર્મચારીએ 12 મહિનાની સતત સેવા પૂર્ણ ન કરી હોય. કર્મચારીના પીએફ ખાતામાં સરેરાશ બેલેન્સ 50,000 રૂપિયાથી ઓછું હોય તો પણ આ લાભ મળશે.

આ પણ વાંચો : Business News: કેવો છે ભારત અને ઓમાન વચ્ચે દ્વિપક્ષીય વેપાર, કેવી રીતે મળશે વ્યાવસાયિકોની હિલચાલને પ્રોત્સાહન?