નોકરી કરતા લોકો માટે તેમના પગારનો જે ભાગ દર મહિને કપાય છે, તે ભવિષ્યની સૌથી મોટી આર્થિક સુરક્ષા છે. પરંતુ જ્યારે વર્ષોની આ મહેનતની કમાણી તમારા કોઈ જૂના પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતામાં પડી રહી હોય ત્યારે શું? દેશભરમાં હજારો કરોડ રૂપિયા આવા જ અનક્લેમ્ડ પડ્યા છે. અવારનવાર લોકો નોકરી બદલે છે, પણ જૂનું ફંડ ટ્રાન્સફર કરવાનું ભૂલી જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે હવે EPFO એક નવો પ્લાન લાવ્યું છે, જેના દ્વારા જૂના ખાતાના પૈસા સીધા તમારા બેંક એકાઉન્ટમાં પહોંચી જશે.

EPFOનો નવો ઓટો-ટ્રાન્સફર પ્લાન

અત્યાર સુધી PFના પૈસા ઉપાડવા કે ટ્રાન્સફર કરવા માટે ઘણા ફોર્મ ભરવા પડતા હતા. પરંતુ હવે આ પ્રક્રિયાને ઓટોમેટિક બનાવવામાં આવી રહી છે. શરૂઆતના તબક્કે 8.1 લાખ એવા ખાતાઓની ઓળખ કરવામાં આવી છે જેમાં 5200 કરોડ રૂપિયા જમા છે. વિભાગનો હેતુ એ છે કે ગ્રાહકોને ઓફિસોના ધક્કા ન ખાવા પડે અને તેમનું અટકેલું નાણું આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં સુરક્ષિત રીતે જમા થઈ જાય.

કેમ અટકી જાય છે તમારી કમાણી?

કોર્પોરેટ દુનિયામાં નોકરી બદલવી સામાન્ય વાત છે. વધુ સારા પગાર માટે લોકો કંપની બદલે છે, પણ ઉતાવળમાં જૂનું PF એકાઉન્ટ નવા એકાઉન્ટ સાથે જોડવાનું ભૂલી જાય છે. ઘણીવાર એક જ વ્યક્તિના અલગ-અલગ PF એકાઉન્ટ ખુલી જાય છે અને સમય જતાં જૂની કંપનીની વિગતો યાદ રહેતી નથી. આ કારણે ખાતામાં વ્યવહાર બંધ થઈ જાય છે અને પૈસા વર્ષો સુધી એમ જ પડ્યા રહે છે.

અરજી વગર કેવી રીતે મળશે પૈસા?

EPFO ની આ નવી સિસ્ટમ સ્માર્ટ ટેકનોલોજી પર આધારિત છે. જેવું સિસ્ટમ તમારા જૂના ખાતાને ઓળખશે, ફંડ આપોઆપ ટ્રાન્સફર થઈ જશે. જોકે, આ માટે તમારું PF એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે. સાથે જ તમારી KYC વિગતો સાચી હોવી જોઈએ અને બેંક એકાઉન્ટ વેરિફાઈડ હોવું જોઈએ. પહેલા આ સુવિધા માત્ર 100 રૂપિયા સુધીના બેલેન્સ માટે હતી, પરંતુ હવે મોટા ફંડ માટે પણ આ શરૂ કરવામાં આવી રહ્યું છે.

નાની ભૂલો બની શકે છે અડચણ

ઘણીવાર PF રેકોર્ડ અને આધારમાં નામ કે જન્મતારીખ અલગ હોવાને કારણે પૈસા અટકી જાય છે. આ સિવાય એકથી વધુ UAN હોવા અથવા બેંકની માહિતી અપડેટ ન હોવી પણ આ પ્રક્રિયામાં નડતરરૂપ બની શકે છે. તેથી, આ ઓટો-ટ્રાન્સફરનો લાભ લેવા માટે તમારી બધી વિગતો સાચી અને અપડેટ રાખવી ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો-Big Budget Flop : વર્ષ 2000ની સૌથી મોંઘી ફિલ્મ જે થઈ હતી બિગ ફ્લોપ,સ્ટારકાસ્ટ હતી જોરદાર!