સરકાર પણ પ્રદૂષણ ઘટાડવા અને સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. જોકે, તાજેતરના એક અભ્યાસે દર્શાવ્યું છે કે દેશમાં મોટા પ્રમાણમાં ઘરો હજુ સુરક્ષિત રીતે ઇલેક્ટ્રિક વાહન ચાર્જ કરવા માટે તૈયાર નથી. આ સ્થિતિ ભવિષ્યમાં સુરક્ષા તેમજ વીજ પુરવઠા બંને માટે પડકાર ઊભો કરી શકે છે.

ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં સુધારા કરવાની જરૂર

અભ્યાસમાં દેશના વિવિધ શહેરો અને રહેણાંક વિસ્તારોમાં લગાવવામાં આવેલા હજારો ઘરેલુ EV ચાર્જિંગ પોઇન્ટના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં સ્વતંત્ર મકાનો, એપાર્ટમેન્ટ, ભાડાના મકાનો તેમજ અન્ય રહેણાંક વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અભ્યાસ અનુસાર, અંદાજે 45 ટકા ઘરોમાં ઇલેક્ટ્રિક વાહનને સુરક્ષિત રીતે ચાર્જ કરવા માટે હાલની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં સુધારા કરવાની જરૂર છે.

હાલમાં દરેક ઘરનું વાયરિંગ અને વીજ ક્ષમતા સતત ઊંચા લોડ માટે તૈયાર નથી

નિષ્ણાતોનું માનવું છે કે હાલમાં દરેક ઘરનું વાયરિંગ અને વીજ ક્ષમતા સતત ઊંચા લોડ માટે તૈયાર નથી. સામાન્ય વીજ સોકેટમાં લાંબા સમય સુધી ઇલેક્ટ્રિક વાહન ચાર્જ કરવાથી વાયરિંગ પર વધારાનો ભાર પડે છે, જે આગ લાગવા અથવા અન્ય ઇલેક્ટ્રિકલ અકસ્માતનું કારણ બની શકે છે.

સુરક્ષાની દૃષ્ટિએ અયોગ્ય

હાલમાં ઘણા લોકો અલગ EV ચાર્જર સ્થાપિત કરવાની જગ્યાએ સામાન્ય પ્લગ, એક્સ્ટેન્શન કેબલ અથવા શેર કરાયેલા વીજ જોડાણનો ઉપયોગ કરે છે. આ રીત સરળ લાગે છે, પરંતુ સુરક્ષાની દૃષ્ટિએ યોગ્ય માનવામાં આવતી નથી. લાંબા સમય સુધી ભારે વીજ લોડ રહેતાં વાયર વધુ ગરમ થઈ શકે છે અને શોર્ટ સર્કિટ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

આખા ઘરના વીજ નેટવર્કને નુકસાન થઈ શકે

વિશેષજ્ઞો જણાવે છે કે સુરક્ષિત EV ચાર્જિંગ માટે પ્રમાણિત ચાર્જિંગ યુનિટ, યોગ્ય ક્ષમતાવાળા વાયર, અલગ સર્કિટ અને જરૂરી સુરક્ષા ઉપકરણો હોવા જરૂરી છે. જો આ માપદંડોનું પાલન કરવામાં ન આવે તો માત્ર વાહન જ નહીં પરંતુ આખા ઘરના વીજ નેટવર્કને નુકસાન થઈ શકે છે.

ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધુ વધવાની શક્યતા 

આગામી વર્ષોમાં દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધુ વધવાની શક્યતા છે. તેના કારણે ઘરેલુ વીજ વપરાશમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે. તેથી સમયસર ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવું જરૂરી બની જશે. નિષ્ણાતોનું માનવું છે કે આજથી યોગ્ય આયોજન કરવામાં આવશે તો ભવિષ્યમાં વીજ પુરવઠા પર વધતા ભારને સરળતાથી સંભાળી શકાય.

EV-રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વપૂર્ણ 

ઘર ખરીદનાર અને બિલ્ડરો માટે પણ હવે EV-રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વપૂર્ણ બની રહ્યું છે. નવા રહેણાંક પ્રોજેક્ટોમાં ચાર્જિંગ પોઇન્ટ, પૂરતી વીજ ક્ષમતા અને સુરક્ષિત વાયરિંગ જેવી સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આવનારા સમયમાં આ સુવિધાઓ રહેણાંક પ્રોજેક્ટનો મહત્વપૂર્ણ ભાગ બની શકે છે.

પરિવાર અને સંપત્તિની સલામતી વધુ જરુરી

નિષ્ણાતોની સલાહ છે કે જો તમે ઇલેક્ટ્રિક વાહન ખરીદવાનું આયોજન કરી રહ્યા હોવ તો પહેલાં ઘરની વીજ વ્યવસ્થાનું નિરીક્ષણ કરાવો. પ્રમાણિત ઇલેક્ટ્રિશિયનની મદદથી યોગ્ય ચાર્જિંગ સિસ્ટમ સ્થાપિત કરવાથી આગ, ઇલેક્ટ્રિકલ ખામી અને બેટરીને થતા નુકસાન જેવા જોખમોથી બચી શકાય છે. સુરક્ષિત ચાર્જિંગ માત્ર વાહનની લાંબી આયુષ્ય માટે જ નહીં પરંતુ પરિવાર અને સંપત્તિની સલામતી માટે પણ એટલું જ જરૂરી છે.