આજના યુવાનો દુનિયાની ઝડપી ગતિ સાથે બદલાઈ રહ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં, યુવાનો નોકરી મેળવ્યા પછી તરત જ તેમના ખર્ચમાં વધારો કરે છે. તેમના માસિક પગારમાંથી EMI પર મોંઘા ફોન, પ્રીમિયમ શૂઝ, કપડાં અને મંથલી ટ્રિપ્સ પર ખર્ચ કરે છે. આ બધાની વચ્ચે, તેઓ ફાઈનાન્સિયલ પ્લાનિંગ ભૂલી જાય છે અથવા તો તેને સંપૂર્ણપણે અવગણે છે.
આ ભૂલ ભવિષ્યમાં ખૂબ મોંઘી સાબિત થઈ શકે છે. નિષ્ણાતો પહેલી નોકરીથી જ બચત અને રોકાણને પ્રાથમિકતા આપવાની સલાહ આપે છે. યોગ્ય સમયે રોકાણ શરૂ કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારી ઉંમર 30 વર્ષથી ઓછી હોય, તો તમે ફાઈનાન્સિયલ પ્લાનિંગ માટે થોડા પગલાં અનુસરી શકો છો જેથી તમને કોઈ નાણાકીય મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે...
1. ઈમરજન્સી ફંડ બનાવો
જીવનમાં ઘણી વખત એવો સમય આવે છે જ્યારે લોકોને તાત્કાલિક પૈસાની જરૂર પડે છે. આવી પરિસ્થિતિઓમાં, તમારું ઇમરજન્સી ફંડ તમારો શ્રેષ્ઠ મિત્ર છે. નોકરીની અનિશ્ચિતતાના સમયમાં, ત્રણ મહિનાના ખર્ચ જેટલું ઇમરજન્સી ફંડ બનાવવું સલાહભર્યું છે. આ ફંડ અચાનક નોકરી ગુમાવવાની સ્થિતિમાં તમને આર્થિક રીતે સ્થિર રાખવામાં મદદ કરી શકે છે.
2. ઈન્વેસ્ટમેન્ટને આદત બનાવો
તમારે તમારી મંથલી ઈન્કમનો એક ભાગ ચોક્કસપણે ઈન્વેસ્ટ કરવો જોઈએ. નાના રોકાણો પણ લાંબા ગાળે નોંધપાત્ર ફંડ ભેગું કરી આપે છે. આ તમારા ભવિષ્યને સુરક્ષિત કરે છે અને તમને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવાથી બચાવે છે.
3. દર મહિને બજેટ બનાવો અને તેની સમિક્ષા કરો
માસિક બજેટ બનાવવાથી તમે ઘણા બિનજરૂરી ખર્ચાઓ ટાળી શકો છો. બજેટ બનાવવા જેટલું જ મહત્વપૂર્ણ છે તેને વળગી રહેવું. આમ કરવાથી તમને તમારા ખર્ચને મર્યાદિત કરવામાં મદદ મળે છે અને બાકીના પૈસાનું રોકાણ કરવાની તક મળે છે.
4. સિબિલ સ્કોરને સુધારવાનો પ્રયત્ન કરો
જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો મજબૂત CIBIL સ્કોર જાળવી રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા બિલ સમયસર ચૂકવો અને તમારી ક્રેડિટ લિમિટથી વધુ ખર્ચ કરવાનું ટાળો. સારો CIBIL સ્કોર હોવાથી ભવિષ્યમાં જરૂરિયાતના સમયે બેંકમાંથી લોન મેળવવાનું સરળ બને છે.
આ પણ વાંચો: Auto News : તમારા બજેટમાં આવતી આ બાઇક ફુલ ટેન્કમાં આપે છે 700 KMની રેન્જ