ડિજિટલ ઈન્ડિયાના આજના સમયમાં સરકારી કામકાજો ખૂબ જ સરળ બની ગયા છે. હવે તમારે કોઈ નવો બિઝનેસ શરૂ કરવો હોય, દુકાન ખોલવી હોય કે પછી ઘરેથી ઓનલાઈન વ્યાપાર કરવો હોય, GST (Goods and Services Tax) નંબર લેવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની કે કોઈ એજન્ટને મોટી ફી ચૂકવવાની જરાય જરૂર નથી. હવે તમે તમારા સ્માર્ટફોન કે લેપટોપની મદદથી ઘરે બેઠા, બિલકુલ ફ્રીમાં GST રજીસ્ટ્રેશન કરી શકો છો.
GST નંબર માત્ર તમારા વ્યાપારને કાનૂની ઓળખ જ નથી આપતો, પરંતુ ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડાઈને બિઝનેસ વધારવાની તકો પણ પૂરી પાડે છે. ચાલો જાણીએ આ સરળ ઓનલાઈન પ્રક્રિયા વિશે.
રજીસ્ટ્રેશન પહેલા આ ડોક્યુમેન્ટ્સ રાખો તૈયાર
ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરતા પહેલા અમુક જરૂરી દસ્તાવેજો તમારી પાસે હોવા જરૂરી છે. જેમાં તમારું પાન કાર્ડ (PAN Card) અને એ આધાર કાર્ડ હોવું જોઈએ જેની સાથે તમારો ચાલુ મોબાઈલ નંબર જોડાયેલો હોય. આ ઉપરાંત, વ્યાપારના સરનામાના પુરાવા (Address Proof) તરીકે લાઈટબિલ અથવા ભાડા કરાર (Rent Agreement) અને બેંક ખાતાની પુષ્ટિ માટે એક કેન્સલ ચેક (Cancel Check) સાથે રાખો.
સ્ટેપ 1: TRN જનરેટ કરવાની પ્રક્રિયા
સૌથી પહેલા GST ની સત્તાવાર વેબસાઈટ પર જાવ અને ત્યાં ‘New Registration’ નો વિકલ્પ પસંદ કરો. અહીં તમારે તમારો પાન નંબર, ચાલુ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. વિગતો ભરતા જ તમારા મોબાઈલ અને ઈમેલ પર એક OTP આવશે. આ OTP નાખતા જ તમારું વેરિફિકેશન થઈ જશે અને તમને એક TRN (Temporary Reference Number) મળી જશે.
સ્ટેપ 2: ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
હવે આ TRN ની મદદથી ફરી વેબસાઈટ પર લોગીન કરો. અહીં તમારે તમારા બિઝનેસનું નામ, શરૂ કર્યાની તારીખ, માલિકની અંગત માહિતી અને સરનામું ભરવાનું રહેશે. જો તમે કોઈ સામાન વેચો છો, તો HSN કોડ (HSN Code) નાખવો ફરજિયાત છે. ભવિષ્યમાં ટેક્સ ફાઇલિંગમાં સરળતા રહે તે માટે તમારા મુખ્ય ઉત્પાદનોના ૪ થી ૫ HSN કોડ ચોક્કસ નાખો.
અહીં તમને ‘આધાર ઓથેન્ટિકેશન’ (Aadhaar Authentication) નો વિકલ્પ મળશે. આમાં હંમેશા ‘Yes’ પસંદ કરવું, જેથી તમારા મોબાઈલ પર એક લિંક આવે અને ઈ-કેવાયસી (e-KYC) તરત જ પૂરી થઈ જાય. આનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે કોઈપણ સરકારી અધિકારીના ફિઝિકલ વેરિફિકેશનની જરૂર પડતી નથી.
સ્ટેપ 3: ARN થી રજીસ્ટ્રેશનનું સ્ટેટસ ટ્રેક કરો
ફોર્મમાં બધી માહિતી બરાબર ચેક કર્યા પછી, ‘વેરિફિકેશન’ સેક્શનમાં જઈને ‘Submit with EVC’ પર ક્લિક કરો. તમારા મોબાઈલ પર છેલ્લો OTP આવશે, જે નાખતા જ તમારું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક સબમિટ થઈ જશે. સબમિટ કર્યા પછી તમને એક ARN (Application Reference Number) મળશે, જેને સાચવીને રાખવો. આ નંબરથી તમે તમારા ફોર્મનું સ્ટેટસ ટ્રેક કરી શકશો.
ઓનલાઈન બિઝનેસ માટે GST નંબર ફરજિયાત
જો તમે એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓનલાઈન સામાન વેચવા માંગતા હોવ, તો તમારું ટર્નઓવર ગમે તેટલું હોય, GST નંબર લેવો ફરજિયાત છે. જો કે, માત્ર ઓફલાઈન વેપાર કરતા લોકો માટે વાર્ષિક ૪૦ લાખ રૂપિયા સુધીના ટર્નઓવર પર આ રજીસ્ટ્રેશનમાંથી છૂટ આપવામાં આવી છે. ફોર્મ ભરતી વખતે હંમેશા તમારો કાયમી મોબાઈલ નંબર અને ઈમેલ જ આપવો.